તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
વર્લ્ડકપમાં આ નવી ટીમો ઉથલપાથલ સર્જી શકે!
કવોલિફાયરમાંથી આવેલી આઠ નાની ટીમો આ વખતે મોટી ટીમોના જીતવાના રથ રોંકવા સજજ : આ વર્લ્ડકપમાં જો કોઇ નાની ટીમ સેમીફાઇનલ કે સુપર-૮માં પહોંચે તો નવાઇ પામવા જેવું નહી હોય

નવી દિલ્હીઃ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માત્ર દિગ્ગજ ટીમો વચ્ચેનો જંગ નહીં રહે, પરંતુ ક્વોલિફાયરમાંથી આવેલી આઠ નાની ટીમો આ વખતે મોટી ટીમોના જીતવાના રથ રોકવા માટે સજ્જ છે. ઇતિહાસ સાક્ષી છે કે ટી૨૦ ફોર્મેટમાં કોઈ પણ ટીમ નાની હોતી નથી, અને નેધરલેન્ડ તેમજ અમેરિકાએ ભૂતકાળમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને હરાવીને આ વાત સાબિત કરી દીધી છે. ભારત માટે ગ્રુપ-A અત્યંત રોમાંચક અને સાવધ રહેવા જેવું છે.
અહીં ભારત અને પાકિસ્તાન સિવાય યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડ જેવી ટીમો છે. યુએસએ જેણે ૨૦૨૪માં પાકિસ્તાનને હરાવીને સનસનાટી મચાવી હતી, તે ફરી એકવાર મોનંક પટેલની આગેવાનીમાં તૈયાર છે. બીજી તરફ, નામિબિયાની સ્પિન બોલિગ અને નેધરલેન્ડનો ઓલરાઉન્ડ દેખાવ ભારત કે પાકિસ્તાન માટે જોખમ ઊભું કરી શકે છે.
યુરોપિયન ક્વોલિફાયરમાંથી આવતી ઇટાલીની ટીમ પ્રથમવાર વર્લ્ડ કપ રમી રહી છે. વેઇન મેડસન જેવા અનુભવી ખેલાડીની આગેવાનીમાં ઇટાલી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ જેવી ટીમોને પડકાર આપવા તૈયાર છે. સ્કોટલેન્ડની બેટિગની ઊંડાઈ અને નેપાળના દીપેન્દ્ર એરીના તોફાની ફોર્મને પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. નેપાળે તાજેતરમાં નજીકની મેચો જીતવામાં માસ્ટરી મેળવી છે, જે તેમને ગ્રુપ-સી માં ડાર્ક હોર્સ બનાવે છે.
ઓમાન અને કેનેડા જેવી ટીમો પણ પોતાનો રેન્ક સુધારીને મજબૂત બની છે. ઓમાન ચેઝ કરવામાં માહેર છે, તો કેનેડાની ટીમે દિલપ્રીત બાજવાના નેતૃત્વમાં શાનદાર ટર્નઅરાઉન્ડ કર્યું છે. આ વર્લ્ડ કપમાં જો કોઈ નાની ટીમ સેમીફાઈનલ કે સુપર-૮માં પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ચાહકો માટે આ વર્લ્ડ કપમાં રોમાંચ અને ઉથલપાથલની પૂરેપૂરી શક્યતા છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
