<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ક્રિકેટ જગતમાં મહાયુદ્ધ: ભારત સામે નહીં રમે પાકિસ્તાન? ICC લઈ શકે છે સસ્પેન્શનનો સૌથી મોટો નિર્ણય!

T20 વર્લ્ડ કપ 2026 માં ખળભળાટ; પાકિસ્તાનનો ભારત સામે બહિષ્કાર, 48 કલાકમાં PCB નું ભાવિ નક્કી થશે

નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા હાઈ-વોલ્ટેજ હોય છે, પરંતુ આ વખતે મેચ શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર મોટું 'ધર્મયુદ્ધ' શરૂ થઈ ગયું છે. 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચનો પાકિસ્તાને બહિષ્કાર કરવાની ધમકી આપી છે. આ વિવાદને પગલે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એક્શન મોડમાં આવી ગઈ છે અને આગામી 48 કલાક પાકિસ્તાન ક્રિકેટ માટે 'કયામતની રાત' સમાન સાબિત થઈ શકે છે.

વિવાદનું મૂળ શું છે?

આ વખતે T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને સ્થાન આપવામાં આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બાંગ્લાદેશના સમર્થનમાં ઉતરીને જાહેરાત કરી છે કે તેમની સરકાર ટીમને શ્રીલંકા મોકલવા તૈયાર છે, પરંતુ તેઓ ભારત સામે મેચ રમશે નહીં. ICC આને 'પસંદગીયુક્ત ભાગીદારી' ગણાવી રહ્યું છે, જે ટુર્નામેન્ટના નિયમો અને વાણિજ્યિક હિતોની વિરુદ્ધ છે.

પાકિસ્તાન પર મંડરાતા ત્રણ મોટા જોખમ:

  • સંપૂર્ણ સસ્પેન્શન: ICC બંધારણની કલમ 2.10 હેઠળ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. જેનો અર્થ છે કે કોઈ પણ દેશ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકશે નહીં.
  • આર્થિક પાયમાલી: પાકિસ્તાન બોર્ડની આવકનો મોટો હિસ્સો (આશરે $34.5 મિલિયન) ICC દ્વારા રોકી રાખવામાં આવી શકે છે.
  • PSL પર ગ્રહણ: જો સસ્પેન્શન આવશે, તો વિદેશી ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમવા માટે NOC મળશે નહીં, જેનાથી પાકિસ્તાનની પ્રતિષ્ઠિત લીગ પડી ભાંગશે.

જય શાહની આગેવાની હેઠળ ICC આ મામલે સખત વલણ અપનાવી રહી છે, કારણ કે ભારત-પાકિસ્તાન મેચ ICC ની કુલ આવકના 40 થી 50 ટકા હિસ્સો ધરાવે છે. જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહેશે, તો ક્રિકેટના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ સંકટ હશે. હવે આખી દુનિયાની નજર ICC ની આગામી બેઠક પર છે.

(4:18 PM IST)