<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ટેનિસ જગતમાં નવા યુગનો પ્રારંભ : કાર્લોસ અલ્કારાઝે નોવાક જોકોવિચના સામ્રાજ્યનો અંત આણી પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું

૨૨ વર્ષીય સ્પેનિશ સ્ટાર ‘કેરિયર ગ્રાન્ડ સ્લેમ’ પૂર્ણ કરનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો : જોકોવિચનું ૨૫મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું ફરી રોળાયું : મેલબોર્ન પાર્કમાં અત્યાર સુધી અજેય રહેલા સર્બિયન દિગ્ગજને અલ્કારાઝે રોમાંચક ફાઈનલમાં પરાસ્ત કર્યો

મેલબોર્ન : ટેનિસના ઈતિહાસમાં ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સ્પેનના યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે રવિવારે રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં વિશ્વના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચને હરાવીને તેમનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતી લીધું છે. આ જીત સાથે જ અલ્કારાઝે ટેનિસના ઈતિહાસમાં અનેક નવા વિક્રમો સ્થાપિત કર્યા છે.
રોમાંચક મુકાબલો અને જોરદાર વાપસી
મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી આ ફાઈનલમાં ૩૮ વર્ષીય નોવાક જોકોવિચે શરૂઆતમાં આક્રમક રમત બતાવી હતી અને પ્રથમ સેટ ૨-૬ થી જીતી લીધો હતો. જોકે, ૨૨ વર્ષીય અલ્કારાઝે હાર માનવાને બદલે શાનદાર વાપસી કરી હતી. તેણે જોકોવિચના અશક્ય લાગતા શોર્ટ્સને પણ રિટર્ન કરીને સતત દબાણ બનાવી રાખ્યું હતું. અલ્કારાઝે આખરે ૨-૬, ૬-૨, ૬-૩, ૭-૫ થી જોકોવિચને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ મુકાબલો ૩ કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો, જેમાં બંને ખેલાડીઓની અદભૂત ફિટનેસ અને સ્ટેમિના જોવા મળ્યો હતો.
નવો વિશ્વ વિક્રમ: સૌથી યુવા ‘કેરિયર ગ્રાન્ડ સ્લેમ’ વિજેતા
કાર્લોસ અલ્કારાઝ ૨૨ વર્ષ અને ૨૭૨ દિવસની ઉંમરે ચારેય મેજર સિંગલ્સ ટાઈટલ (કેરિયર ગ્રાન્ડ સ્લેમ) પૂર્ણ કરનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે વર્ષ ૧૯૩૮માં ડોન બજે સ્થાપેલો વિક્રમ તોડ્યો છે. અલ્કારાઝ પાસે હવે કુલ સાત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે, જેમાં બે વિમ્બલ્ડન, બે ફ્રેન્ચ ઓપન, બે યુએસ ઓપન અને હવે એક ઓસ્ટ્રેલિયન ઓપનનો સમાવેશ થાય છે.
જોકોવિચનું ૨૫મું ટાઈટલ મેળવવાનું સ્વપ્ન અધૂરું
નોવાક જોકોવિચ રેકોર્ડ ૨૫મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતીને ઈતિહાસ રચવાના લક્ષ્ય સાથે મેદાને ઉતર્યો હતો. મેલબોર્ન પાર્કમાં અગાઉ રમાયેલી તેની ૧૦ ફાઈનલમાંથી તે એકપણ ફાઈનલ હાર્યો નહોતો, પરંતુ અલ્કારાઝે તેની આ અતૂટ વિજયકૂચ અટકાવી દીધી છે. છેલ્લા ૯ ગ્રાન્ડ સ્લેમથી જોકોવિચના ૨૫મા ટાઈટલના માર્ગમાં કાં તો અલ્કારાઝ અથવા જેનિક સિનર અવરોધ બનીને ઉભા રહ્યા છે. સેમીફાઈનલમાં સિનરને હરાવ્યા બાદ જોકોવિચ સૌથી મોટી ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી બનવાની અણી પર હતો, પરંતુ અલ્કારાઝના જોશ સામે તે ટકી શક્યો નહોતો.
આ જીત સાથે જ ટેનિસની દુનિયામાં સત્તાવાર રીતે નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યાં હવે કાર્લોસ અલ્કારાઝ જેવો યુવા ખેલાડી દિગ્ગજોને હંફાવી રહ્યો છે.

(5:55 PM IST)