News of Sunday, 1st February 2026
ઈશાન કિશનનું બેટિંગ વાવાઝોડું: ન્યુઝીલેન્ડ સામે ૨૭૧ રનનો પહાડ અને કિશનની સદીએ સંજુ સેમસનનું કરિયર સંકટમાં મૂક્યું!
૫ મેચમાં ૫૦ રન પણ નહીં: ફ્લોપ શો બાદ સંજુ સેમસન ટીમ ઈન્ડિયામાંથી આઉટ? કેપ્ટન સૂર્યાએ ઈશાન કિશનને 'ગેમ-ચેન્જર' ગણાવી આપ્યા મોટા સંકેત; શું તિલક વર્માની વાપસી સેમસન માટે કાળી ટીલી સાબિત થશે?

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં માત્ર મેચ જ નહીં, પરંતુ કેટલાક ખેલાડીઓના નસીબ પણ ફેંસલાની એરણે ચડ્યા છે. ઈજાના લાંબા બ્રેક બાદ મેદાનમાં પરત ફરેલા ઈશાન કિશને કીવી બોલરોની એવી ધુલાઈ કરી કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું. કિશનની વિસ્ફોટક સદી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની તોફાની ફિફ્ટીના સહારે ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૨૭૧ રનનો રેકોર્ડબ્રેક સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૨૫ રને ઓલઆઉટ થઈ ગઈ, પરંતુ ભારતની આ ભવ્ય જીતે એક નવો વિવાદ છેડ્યો છે: "શું હવે સંજુ સેમસનનું પત્તું ટીમમાંથી કપાશે?"
આ પ્રશ્ન ઉઠવાનું કારણ સંજુ સેમસનનું અત્યંત નબળું ફોર્મ છે. આખી સીરિઝમાં સંજુનું બેટ સાવ શાંત રહ્યું છે અને તે ૫ મેચમાં માંડ ૫૦ રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નથી. બીજી તરફ, તિલક વર્માની ઈજાને કારણે પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી મેળવનાર ઈશાન કિશને માત્ર સદી જ નથી ફટકારી, પણ છેલ્લી બે મેચમાં વિકેટકીપિંગ કરીને સંજુના મુખ્ય રોલને પણ જોખમમાં મૂકી દીધો છે. ક્રિકેટ ગલિયારામાં ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે તિલક વર્મા ફીટ થઈને પરત આવશે, ત્યારે સેમસને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે છે.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યાએ કિશનની ભરપૂર પ્રશંસા કરી હતી. સૂર્યાએ ખુલાસો કર્યો કે, "અમે ઈશાનની ક્ષમતાથી વાકેફ હતા અને તેને તેની 'ગેમ' બદલવા માટે ક્યારેય દબાણ કર્યું નથી. તે એક કુદરતી ગેમ-ચેન્જર છે." વિકેટકીપિંગના સવાલ પર સૂર્યાએ બચાવ કરતા કહ્યું કે સંજુને પ્રથમ ત્રણ મેચ અને ઈશાનને છેલ્લી બે મેચ આપવાનું પહેલેથી જ નક્કી હતું. જોકે, હકીકત એ છે કે ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જે રીતે વિરોધી ટીમને મેચમાંથી બહાર કરી દે છે, તે જોતા મધ્યમ ક્રમમાં સંજુ સેમસનની જગ્યા ડગમગતી દેખાઈ રહી છે. ઈશાન કિશને પોતાની સદીથી સ્પષ્ટ કરી દીધું છે કે તે માત્ર બેકઅપ ખેલાડી રહેવા માંગતો નથી.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
