<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

U19 વર્લ્ડ કપ: રણસંગ્રામ શરૂ! પાકિસ્તાને ટોસ જીત્યો, ભારતનો પ્લેઈંગ-11 માં મોટો ફેરફાર

બુલાવાયોમાં ‘મહાજંગ’ નો મંગલાચરણ: એશિયા કપની હારનો બદલો લેવા મેદાને ઉતરી જુનિયર ટીમ ઇન્ડિયા; વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેના ખભા પર જીતનો દારૂમદાર, વરસાદની કોઈ ચિંતા નહીં અને સ્વચ્છ આકાશ વચ્ચે રમાશે રોમાંચક 100 ઓવરની રમત

બુલાવાયો (ઝિમ્બાબ્વે) : ICC U19 વર્લ્ડ કપ 2026 ના સુપર-6 રાઉન્ડના અંતિમ અને સૌથી લોકપ્રિય મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહેલા આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયા માટે આ માત્ર મેચ નથી, પરંતુ એશિયા કપની ફાઇનલમાં મળેલી હારનું વેર વાળવાની સુવર્ણ તક છે. કેપ્ટન આયુષ મ્હાત્રેએ પ્લેઇંગ-11 માં વ્યુહાત્મક ફેરફાર કરીને પાકિસ્તાની બેટ્સમેનોને ભીંસમાં લેવાની પૂરી તૈયારી કરી લીધી છે.

મેદાનના પિચ રિપોર્ટ મુજબ, બુલાવાયોની પિચ શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે, જેનો ફાયદો ઉઠાવવા પાકિસ્તાને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. જોકે, ભારતીય ટીમે આ જ મેદાન પર અગાઉ ૩૫૨ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જે પાકિસ્તાની બોલરો માટે ચેતવણી સમાન છે. મિડલ ઓવરોમાં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક રહેશે અને રમત જેમ જેમ આગળ વધશે તેમ બેટ્સમેનો માટે સ્ટ્રોક પ્લે સરળ બનશે. ભારત માટે વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ આજે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે.

આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર રહી છે. અત્યાર સુધી રમાયેલી ૧૦ મેચોમાં ભારત અને પાકિસ્તાન બંને ૫-૫ મેચ જીતીને બરાબરી પર છે. જોકે, છેલ્લા ૬ મુકાબલામાં ભારતનો દબદબો રહ્યો છે અને ટીમ ઇન્ડિયાએ ૫ મેચોમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. બુલાવાયોમાં આજે આકાશ એકદમ સ્વચ્છ છે અને ૨૮ ડિગ્રી તાપમાન વચ્ચે ખેલાડીઓની કસોટી થશે. વરસાદની કોઈ જ શક્યતા ન હોવાથી ચાહકો પૂરી ૧૦૦ ઓવરના રોમાંચની મજા માણી શકશે.

ભારતની પ્લેઇંગ-11 માં આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રા જેવા મજબૂત બેટ્સમેનો છે, જ્યારે બોલિંગમાં કનિષ્ક ચૌહાણ અને હેનીલ પટેલ પાકિસ્તાની વિકેટો ઝડપવા તૈયાર છે. બીજી તરફ પાકિસ્તાન પાસે સમીર મિન્હાસ અને કેપ્ટન ફરહાન યુસુફ જેવા ખેલાડીઓ છે જે રમતનું પાસું પલટી શકે છે. સ્ટાર સ્પોર્ટ્સ અને JioHotstar પર કરોડો ચાહકો લાઈવ સ્કોર પર નજર રાખી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ભારત એશિયા કપની હારનો બદલો લઈ પાકિસ્તાનને પછાડી શકે છે કે કેમ.

(12:50 PM IST)