<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

જૂનાગઢની દીકરીનો મેલબોર્નમાં ડંકો: જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 જીતી રચ્યો ઈતિહાસ!

આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનારી પ્રથમ ભારતીય યુવતી બની જેન્સી; ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને હરાવી મેળવ્યું ગૌરવ, કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પાઠવી શુભેચ્છા

મેલબોર્ન, તા.૩૧: ગુજરાતની માટીની મહેક હવે સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયાના ટેનિસ કોર્ટ પર પણ ગુંજી ઉઠી છે. જૂનાગઢની માત્ર ૧૪ વર્ષની ટેનિસ સ્ટાર જેન્સી કાનાબારે મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી 'ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલિટ ૧૪ એન્ડ અન્ડર ટ્રોફી ૨૦૨૬' જીતીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનારી જેન્સી પ્રથમ ભારતીય યુવતી બની છે.

રોમાંચક ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને આપી મ્હાત

મેલબોર્નના ઘરઆંગણાના પ્રેક્ષકો વચ્ચે રમાયેલી ફાઈનલમાં જેન્સીએ અદભૂત લડત આપી હતી. ઓસ્ટ્રેલિયાની મુસેમ્મા સિલેક સામે પ્રથમ સેટ ૩-૬થી ગુમાવ્યા બાદ, જેન્સીએ જોરદાર વાપસી કરી હતી. તેણે બાકીના બંને સેટ ૬-૪ અને ૬-૧ થી જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ વિજય સાથે જ મેલબોર્ન પાર્કમાં ભારતનો તિરંગો લહેરાયો હતો.

ઓલિમ્પિક મેડલ જીતવાનું છે લક્ષ્ય

મેલબોર્નથી જીત બાદ મીડિયા સાથે વાત કરતા જેન્સીએ જણાવ્યું કે, "ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાનો અનુભવ અદભૂત છે. હવે મારું ધ્યાન જુનિયર ગ્રાન્ડ સ્લેમ અને પ્રો સર્કિટ જીતવા પર છે. મારું અંતિમ લક્ષ્ય ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે." જેન્સીને એપ્રિલ ૨૦૨૪ થી ભારત સરકારની 'ખેલો ઈન્ડિયા' યોજના હેઠળ આર્થિક અને તાલીમની સહાય મળી રહી છે, જે તેની આ સફળતામાં મહત્વનું પાસું સાબિત થયું છે.

કેન્દ્રીય મંત્રીએ પાઠવી શુભેચ્છા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જેન્સીને અભિનંદન પાઠવતા લખ્યું કે, "જૂનાગઢથી મેલબોર્ન સુધી - ભારતની ગૌરવશાળી દીકરીએ એસ (Ace) સર્વ કર્યો છે! આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ખેલો ઈન્ડિયા એથ્લેટ જેન્સી કાનાબારને ખૂબ ખૂબ અભિનંદન."

(12:19 AM IST)