<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ટી-૨૦ વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમ રવાના થશે કે કેમ? : લીક થયેલી પ્રેસ રિલીઝથી ભારે અસમંજસ

પાકિસ્તાનની ટીમ ૨ ફેબ્રુઆરીએ શ્રીલંકા જવા રવાના થઈ શકે છે, પરંતુ જાહેરમાં બોર્ડ હજુ પણ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હોવાનું નાટક કરી રહ્યું છે.?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ભારે ડ્રામા સર્જાયો છે. તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીસીબીની એક પ્રેસ રિલીઝ લીક થઈ હતી, જેમાં ટીમની ટ્રાવેલ પ્લાન વિશે માહિતી હતી, પરંતુ થોડીવારમાં જ તે ફકરો ડિલીટ કરીને ફરીથી રિલીઝ મૂકવામાં આવી હતી. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ટીમ ૨ ફેબ્રુઆરીએ શ્રીલંકા જવા રવાના થઈ શકે છે, પરંતુ જાહેરમાં બોર્ડ હજુ પણ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હોવાનું નાટક કરી રહ્યું છે.

પીસીબીના ચેરમેન મોહસિન નકવી આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે. પાકિસ્તાન બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામે નારાજગી દર્શાવવા માંગે છે, પરંતુ જો તે ટુર્નામેન્ટમાં નહીં રમે તો આઈસીસી દ્વારા પ્રતિબંધો અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧લી ફેબ્રુઆરીએ મેચ રમાવાની છે, ત્યારે સિનિયર ટીમ માટે અલગ વલણ રાખવું પાકિસ્તાન માટે મુશ્કેલ બની શકે છે. આ લીક થયેલા અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાન ક્રિકેટ વહીવટીતંત્ર હાલમાં ભારે દબાણ અને મૂંઝવણમાં છે.

(7:35 PM IST)