<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રાષ્ટ્રીય શાળા હોકી: ઝારખંડના ખેલાડીઓનો મેદાન પર દબદબો, ગુજરાત સહિતની ટીમોએ નોંધાવી શાનદાર જીત!

U-17 હોકી ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે રસાકસીભર્યા મુકાબલા: યજમાન ઝારખંડની બંને ટીમોએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ

રાંચી : ઝારખંડમાં રમાઈ રહેલી ૬૯મી રાષ્ટ્રીય શાળા અંડર-૧૭ હોકી ચેમ્પિયનશિપનો ત્રીજો દિવસ અત્યંત રોમાંચક રહ્યો હતો. ઝારખંડ શિક્ષણ પ્રોજેક્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ગઈકાલે રમાયેલી લીગ મેચોમાં ઝારખંડ, ઉત્તરાખંડ અને આંધ્રપ્રદેશ જેવી ટીમોએ હરીફ ટીમોને હંફાવીને વિજયી કૂચ જાળવી રાખી હતી. આ સ્પર્ધામાં દેશભરની કુલ ૬૩ ટીમો ભાગ લઈ રહી છે.

યજમાન ઝારખંડની ટીમે પોતાના ઘરઆંગણે શાનદાર પ્રદર્શન કરતા છોકરાઓના વર્ગમાં રાજસ્થાનને ૬-૦થી કારમો પરાજય આપ્યો હતો. બીજી તરફ, છોકરીઓના વર્ગમાં પણ ઝારખંડની દીકરીઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ની ટીમને ૮-૦ના મસમોટા અંતરથી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.

 

ગુજરાત અને અન્ય રાજ્યોનું પ્રદર્શન

મેદાન પર ખેલાડીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી:

· છોકરાઓનો વર્ગ: ગુજરાતની ટીમે શાનદાર રમત બતાવી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને દિલ્હી જેવી ટીમોએ પણ પોતપોતાની મેચો જીતીને આગલા રાઉન્ડ તરફ ડગ માંડ્યા છે.

· છોકરીઓનો વર્ગ: આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની ટીમો વિજેતા બની હતી. દાદરા અને નગર હવેલીની ટીમે પણ ઉતકૃષ્ટ રમતનું પ્રદર્શન કરી જીત નોંધાવી હતી.

૨૭ જાન્યુઆરીથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ૩૧ જાન્યુઆરીએ ફાઇનલ મેચો રમાશે, જેમાં જોવાનું એ રહેશે કે કયા રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય ટ્રોફી પોતાના નામે કરે છે. હાલના ફોર્મને જોતા યજમાન ઝારખંડ અને હરિયાણા વચ્ચે ફાઈનલમાં ટક્કર થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

(6:48 PM IST)