તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં 'સોફી યુગ'નો પ્રારંભ: એલિસા હીલી બાદ સોફી મોલિનેક્સ બનશે નવી કેપ્ટન
તાહલિયા મેકગ્રાને પછાડી 28 વર્ષીય સ્પિનર મેળવશે ઓલ-ફોર્મેટનું સુકાન; ભારત સામેની શ્રેણીથી સંભાળશે જવાબદારી

મેલબોર્ન : વિશ્વની સૌથી શક્તિશાળી ગણાતી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમમાં એક મોટા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. દિગ્ગજ ખેલાડી એલિસા હીલીની નિવૃત્તિની જાહેરાત બાદ, હવે ડાબોડી સ્પિનર સોફી મોલિનેક્સ ઓસ્ટ્રેલિયાની નવી ઓલ-ફોર્મેટ કેપ્ટન બનવા માટે સજ્જ છે. આ સમાચાર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે મોલિનેક્સે ઉપ-કેપ્ટન તાહલિયા મેકગ્રાને પાછળ છોડીને આ પ્રતિષ્ઠિત પદ મેળવ્યું છે.
ઈજાઓ સામે લડીને મેળવ્યું આ મુકામ
સોફી મોલિનેક્સની સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. પગમાં ફ્રેક્ચર અને ઘૂંટણની ગંભીર ઈજાઓને કારણે તે લાંબો સમય ટીમથી બહાર રહી હતી. જોકે, ઘરેલું ક્રિકેટમાં મેલબોર્ન રેનેગેડ્સને પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ WBBL ટાઇટલ અપાવીને અને ભારતમાં RCB સાથે WPL જીતીને તેણે સાબિત કરી દીધું કે તેની પાસે નેતૃત્વના અદભૂત ગુણો છે. હીલીની વિદાય બાદ ઓસ્ટ્રેલિયાને એક એવા મજબૂત નેતાની જરૂર હતી જે આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમને તૈયાર કરી શકે.
મેકગ્રાને કેમ ન મળી તક?
દિગ્ગજ ઓલરાઉન્ડર તાહલિયા મેકગ્રા લાંબા સમયથી કેપ્ટન પદની રેસમાં હતી, પરંતુ તાજેતરના ખરાબ ફોર્મને કારણે તેને અવગણવામાં આવી હોય તેમ લાગે છે. બીજી તરફ, સોફી મોલિનેક્સની રમત પ્રત્યેની સમજ અને શાંત સ્વભાવે પસંદગીકારોનું દિલ જીતી લીધું છે. ભારત સામે શરૂ થનારી મલ્ટી-ફોર્મેટ શ્રેણી પહેલા જ સત્તાવાર રીતે તેના નામની જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પરિવર્તન સાથે ઓસ્ટ્રેલિયન ટીમ એક નવા મોડર્ન ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહી છે, જ્યાં અનુભવ અને યુવા જોશનું સંતુલન જોવા મળશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
