તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
નેધરલેન્ડ્સની નારી શક્તિ: પ્રથમવાર મહિલા T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી કરીને રચ્યો ઇતિહાસ
ગ્લોબલ ક્વોલિફાયર્સમાં અમેરિકાને ધૂળ ચટાડી; જૂન મહિનામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વિશ્વકપ માટે બાંગ્લાદેશ પણ ક્વોલિફાય

એમસ્ટરડેમ : ક્રિકેટના મેદાન પર આજે નેધરલેન્ડ્સે એક નવો અધ્યાય લખ્યો છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ ગ્લોબલ ક્વોલિફાયર્સના સુપર સિક્સ રાઉન્ડમાં નેધરલેન્ડ્સે અમેરિકા (USA) ને ૨૧ રને (DLS પદ્ધતિ) હરાવીને પ્રથમ વખત ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. વર્ષોની મહેનત અને સંઘર્ષ બાદ આ યુરોપિયન દેશે અંતે વિશ્વના સૌથી મોટા મંચ પર પોતાની જગ્યા બનાવી લીધી છે.
વરસાદે પાડ્યું વિઘ્ન પણ ડચ ટીમ રહી વિજેતા
મેચમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ ૨૦ ઓવરમાં ૧૨૯ રન બનાવ્યા હતા, જેમાં નેધરલેન્ડ્સની મીડિયમ પેસર હેન્ના લેન્ડહીરે ૩૦ રન આપી ૩ મહત્વની વિકેટ ઝડપી હતી. જવાબમાં નેધરલેન્ડ્સની શરૂઆત શાનદાર રહી હતી. હીથર સીજર્સ અને ફેબે મોલ્કેનબોઅરની ૫૭ રનની ઓપનિંગ જોડીએ જીતનો પાયો નાખ્યો હતો. જ્યારે ટીમ ૧૨ ઓવરમાં ૯૦ રને પહોંચી ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય સુધી રમત અટક્યા બાદ DLS પદ્ધતિ મુજબ નેધરલેન્ડ્સ ૨૧ રન આગળ હોવાથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ જીત સાથે જ ડચ ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
વર્લ્ડ કપની ૧૨ ટીમોમાંથી ૧૦ના નામ નક્કી
નેધરલેન્ડ્સની સાથે બાંગ્લાદેશે પણ થાઈલેન્ડને ૩૯ રને હરાવી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. ૨૦૨૬ના મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં કુલ ૧૨ ટીમો ભાગ લેવાની છે, જેમાંથી હવે ૧૦ ટીમોના નામ નક્કી થઈ ગયા છે. બાકીના બે સ્થાનો માટે આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, અમેરિકા અને થાઈલેન્ડ વચ્ચે જંગ જામશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૮૮ થી ૨૦૦૦ સુધી વનડે વર્લ્ડ કપમાં સતત ચારવાર ભાગ લેનાર નેધરલેન્ડ્સની ટીમ ટી૨૦ ફોર્મેટના આગમન પછી ક્યારેય વર્લ્ડ કપ રમી શકી નહોતી. લગભગ બે દાયકાના લાંબા વિરામ બાદ ડચ મહિલા ટીમ ફરી એકવાર વિશ્વ સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવા તૈયાર છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
