તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
ઓસ્ટ્રેલિયન ઓપન: મેલબોર્ન ગ્રાઉન્ડ પર પેગુલાનું તોફાન: વર્ષોની રાહનો અંત, સેમિફાઇનલમાં ભવ્ય એન્ટ્રી
અમાન્ડા અનિસિમોવાને હરાવી જેસિકા પેગુલાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રચ્યો ઇતિહાસ, હવે રાયબાકીના સામે થશે જંગ

મેલબોર્ન : મેલબોર્નના ટેનિસ કોર્ટ પર આજે એક નવો ઇતિહાસ રચાયો છે. અમેરિકન ટેનિસ સ્ટાર જેસિકા પેગુલાએ પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પહેલીવાર પ્રવેશ મેળવી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જ દેશની પ્રતિસ્પર્ધી અમાન્ડા અનિસિમોવા સામે 6-2, 7-6(1) થી શાનદાર જીત નોંધાવીને પેગુલાએ સાબિત કરી દીધું છે કે તે આ વખતે ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે.
આ મેચ માત્ર એક રમત નહીં પણ પેગુલા માટે વર્ષોના સંઘર્ષનો અંત હતી. આ અગાઉ તે ચાર વખત ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં હારી ચુકી હતી, પરંતુ આજે તેણે શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ મજબૂત રાખી હતી. પ્રથમ સેટમાં પેગુલાએ અનિસિમોવાની સર્વિસ બે વાર તોડીને 6-2 થી એકતરફી જીત મેળવી હતી. જોકે, બીજા સેટમાં અનિસિમોવાએ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો, જેને કારણે મેચ ટાઇબ્રેકર સુધી પહોંચી હતી. ટાઇબ્રેકરમાં પેગુલાની ચોકસાઈ અને ગતિ આગળ અનિસિમોવા લાચાર જણાઈ હતી.
આ જીત સાથે પેગુલાએ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે છેલ્લા ત્રણ દાયકામાં એક જ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રણ અમેરિકન ખેલાડીઓને હરાવનાર પ્રથમ મહિલા બની છે. અગાઉ તેણે મેકકાર્ટની કેસલર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મેડિસન કીઝને પણ પરાજય આપ્યો હતો. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો દિગ્ગજ ખેલાડી એલેના રાયબાકીના સામે થશે, જે ટેનિસ ચાહકો માટે રોમાંચક બની રહેશે.
જીત બાદ ખુશી વ્યક્ત કરતા જેસિકા પેગુલાએ જણાવ્યું હતું કે, "આ અહેસાસ ખૂબ જ અદ્ભૂત છે. હું અગાઉ ઘણીવાર ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને અટકી જતી હતી, પરંતુ આ વખતે મેં લય જાળવી રાખી. મને મેલબોર્નની પરિસ્થિતિઓ અનુકૂળ આવે છે અને હું સેમિફાઇનલ માટે ઉત્સાહિત છું."
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
