તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
T20 વર્લ્ડ કપ 2026: મેદાન બહાર પણ બાંગ્લાદેશ આઉટ? મીડિયા એક્રેડિટેશન પર ICCની તવાઈથી ક્રિકેટ જગતમાં હોબાળો
ટીમ ઈન્ડિયા સામે રમવાનો ઈનકાર કર્યા બાદ હવે બાંગ્લાદેશી પત્રકારોના વિઝા અને માન્યતા પર સંકટ: BCB અને ICC વચ્ચેના વણસેલા સંબંધોમાં મીડિયા પરનો પ્રતિબંધ નવો વળાંક લાવશે?

નવી દિલ્હી : T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભ પહેલા જ મેદાનની બહારના ખેલ વધુ રોમાંચક બન્યા છે. સુરક્ષાના બહાના હેઠળ ભારત આવવાનો ઈનકાર કરનાર બાંગ્લાદેશી ટીમ સામે ICCએ લાલ આંખ કર્યા બાદ હવે બાંગ્લાદેશી મીડિયા પર ગાજ પડી છે. ભારતમાં યોજાનારા આ મહાકુંભ માટે 80 થી 90 જેટલા પત્રકારોએ માન્યતા માંગી હતી, પરંતુ ICCએ રાતોરાત નિયમો બદલીને આ પ્રક્રિયામાં કાતર ફેરવી દીધી છે. જાણવા મળ્યું છે કે ICCએ ક્વોટા સિસ્ટમ લાગુ કરીને માત્ર 40 પત્રકારોને જ મંજૂરી આપવાનું નક્કી કર્યું છે, જેને કારણે બાંગ્લાદેશના વરિષ્ઠ પત્રકારોની અરજીઓ પણ કચરાપેટીમાં ફેંકાય ગઈ છે. આ પગલાથી ઢાકાના પત્રકાર જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે અને BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ) હવે રઘવાયું થયું છે.
BCBના મીડિયા ચીફ અમજદ હુસૈને આ મામલે ICC પાસેથી લેખિત ખુલાસો માંગ્યો છે અને આ નિર્ણયને પૂર્વગ્રહયુક્ત ગણાવ્યો છે. 26 જાન્યુઆરીના રોજ જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે બાંગ્લાદેશી ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેક પત્રકારની અરજીનું 'કેસ-બાય-કેસ' ધોરણે કડક મૂલ્યાંકન કરવામાં આવશે. વર્ષોથી વર્લ્ડ કપ કવર કરતા અનુભવી પત્રકારોને પણ ફરીથી અરજી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ICC હવે બાંગ્લાદેશી પ્રવાહ પર કડક નિયંત્રણ રાખવા માંગે છે. આ આખી ઘટના બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અક્કડ વલણનું પરિણામ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ, બાંગ્લાદેશના હટી ગયા પછી સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી છે, જે 7 ફેબ્રુઆરીથી ભારતીય પિચો પર પોતાનું જોર બતાવશે. ICCએ ભારતમાં સુરક્ષાનો કોઈ ખતરો ન હોવાનું પહેલેથી જ સાફ કરી દીધું હતું, તેમ છતાં BCBએ ભારત ન આવવાનો નિર્ણય લેતા હવે શૈક્ષણિક અને રાજદ્વારી સ્તરે પણ તેની અસરો જોવા મળી રહી છે. બાંગ્લાદેશી મીડિયા હવે ફરીથી અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ "કોણ જશે અને કોણ નહીં" તેના પર ભારત સરકાર અને ICCનો આખરી નિર્ણય જ નિર્ણાયક બનશે. આ વિવાદે વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં મોટી તિરાડ પાડી દીધી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
