<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ICC ની ધમકીએ પાકિસ્તાનના ઘમંડને ચકનાચૂર કર્યો : જો ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે તો તે બરબાદ થઈ જશે

બાંગ્લાદેશના ટેકામાં ઉતરેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બતાવ્યો અરીસો : જો ટુર્નામેન્ટ છોડશે તો PSL માંથી વિદેશી ખેલાડીઓ ગાયબ થશે અને કરોડોનું ફંડ અટકી જશે : આખરે PCBએ નમતું જોખી ટીમ જાહેર કરી દીધી.

લાહોર :  T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્રિકેટ જગતમાં મેદાન બહારનો ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા ભારતમાં સુરક્ષાનો હવાલો આપી મેચ રમવાનો ઇનકાર કરાતા ICCએ કડક વલણ અપનાવી તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે. આ વિવાદમાં જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ બાંગ્લાદેશના સમર્થનમાં "બહિષ્કાર" ની ધમકી આપી, ત્યારે ICC એ એવો આકરો જવાબ આપ્યો કે પાકિસ્તાનનો ઘમંડ મિનિટોમાં ચકનાચૂર થઈ ગયો. ICC એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ખસી જશે, તો તેમના પર એવા પ્રતિબંધો લાગશે કે પાકિસ્તાની ક્રિકેટ આર્થિક રીતે પાયમાલ થઈ જશે.

ICC ની ધમકી એટલી ગંભીર હતી કે તેમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) માં વિદેશી ખેલાડીઓના NOC રોકવા અને તમામ દ્વિપક્ષીય શ્રેણીઓ રદ કરવા સુધીની તૈયારી હતી. આ દબાણ હેઠળ આવીને પાકિસ્તાને રવિવારે ઉતાવળે પોતાની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, આ ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે—બાબર આઝમની ટીમમાં વાપસી થઈ છે, પરંતુ ફાસ્ટ બોલર હરિસ રૌફને પડતો મૂકવામાં આવ્યો છે. સલમાન અલી આગાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે પાકિસ્તાની બોર્ડ અત્યારે અંદરખાને કેટલું ડર અને દબાણ અનુભવી રહ્યું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી મુક્ત કરવાના મુદ્દે થઈ હતી, જે બાદ બાંગ્લાદેશે ભારતમાં રમવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ICC એ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતમાં કોઈ ખતરો નથી અને જે ટીમ નહીં રમે તેના સ્થાને બીજી ટીમને સ્થાન અપાશે (જેમ કે બાંગ્લાદેશની જગ્યાએ હવે સ્કોટલેન્ડ રમશે). હવે જ્યારે પાકિસ્તાને પણ નમતું જોખ્યું છે, ત્યારે એ જોવાનું રહેશે કે મેદાન પર ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં આ માનસિક દબાણ તેમની રમત પર કેવી અસર કરે છે.

(8:00 PM IST)