<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

વર્લ્ડ કપમાં પાકિસ્તાન 'આઉટ' અને યુગાન્ડા 'ઈન'? ક્રિકેટ જગતમાં ભયંકર ભૂકંપ

બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને બહિષ્કારનો રાગ આલાપ્યો, વડાપ્રધાનના નિર્ણય પર કરોડો ચાહકોની નજર; ભારત-પાક હાઈ-વોલ્ટેજ મેચ રદ થઈ તો યુગાન્ડા બનશે ટીમ ઈન્ડિયાનો નવો હરીફ

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2026ના આયોજન પહેલા જ 'ડ્રામા' શરૂ થઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમે ભારત આવવાની ના પાડતા ICCએ તેમને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો અને સ્કોટલેન્ડને સામેલ કરી લીધું. હવે પાકિસ્તાન પણ આ જ માર્ગે ચાલી રહ્યું હોય તેવું લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ સ્પષ્ટ કર્યું છે કે જો બાંગ્લાદેશ સાથે 'અન્યાય' થયો હોય તો પાકિસ્તાન પણ ભારત જઈને રમવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. આ વિવાદ હવે રમત કરતા વધુ રાજકીય બની રહ્યો છે, જેના કારણે કરોડો ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયા છે.

PCB હાલમાં પાકિસ્તાન સરકારના આદેશની રાહ જોઈ રહ્યું છે. વડાપ્રધાન શહબાઝ શરીફ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં રમશે કે નહીં તેનો અંતિમ નિર્ણય લેશે. મોહસીન નકવીનું કહેવું છે કે તમામ ટીમો માટે સમાન નિયમો હોવા જોઈએ અને જો સરકાર બહિષ્કાર કરવાનું કહેશે તો પાકિસ્તાન પાછું નહીં પડે. જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી હટી જશે, તો ગ્રુપ-A માંથી એક મોટું નામ ગાયબ થઈ જશે અને ભારત-પાકિસ્તાન વચ્ચેની તે મહાજંગ પણ રદ થઈ શકે છે જેની રાહ આખી દુનિયા જોઈ રહી છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાકિસ્તાન જેવી દિગ્ગજ ટીમની જગ્યા કોણ લેશે? ICCના રેન્કિંગ અને નિયમો મુજબ, જો પાકિસ્તાન બહાર થાય તો 'યુગાન્ડા'ની ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી શકે છે. યુગાન્ડા હાલમાં ક્વોલિફિકેશન લિસ્ટમાં પછીની શ્રેષ્ઠ રેન્ક ધરાવતી ટીમ છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ રાશિદ લતીફના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની ગેરહાજરીમાં યુગાન્ડા આ સુવર્ણ તક ઝડપી શકે છે. આનો અર્થ એ થયો કે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન ટકરાવાના હતા, ત્યાં કદાચ ભારત અને યુગાન્ડા વચ્ચે મુકાબલો જોવા મળે!

જો પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાંથી બહાર થાય છે, તો તે ICC માટે માત્ર રમતગમતની દૃષ્ટિએ જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મોટું નુકસાન હશે. ભારત-પાકિસ્તાન મેચ દ્વારા જે કરોડોની કમાણી થતી હોય છે તે જોખમમાં મુકાઈ શકે છે. જોકે, ICC કોઈપણ ટીમના દબાણમાં આવવા તૈયાર નથી તે બાંગ્લાદેશના કિસ્સામાં સાબિત થઈ ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સરકાર રમતને રાજકારણથી અલગ રાખે છે કે પછી યુગાન્ડાના નસીબ ખુલી જાય છે અને તેમને વર્લ્ડ કપની ટિકિટ મળી જાય છે.

(2:06 PM IST)