તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
રાયપુરમાં રનોનું રમખાણઃ ટીમ ઇન્ડીયાની ૭ વિકેટે જીત
ન્યુઝીલેન્ડ સામેના બીજા ટી-ર૦માં ભારતની ર૦૯ રનની રેકોર્ડ ચેઝ ઇશાન કિશનની ધુંવાધાર બેટીંગઃ ૩ર બોલમાં ૭૬ ફટકાર્યાઃ કેપ્ટન સૂર્યકુમારે પણ ૧૪ મહિના બાદ ફિફટી ફટકારી

રાયપુરઃભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચોની ટી-૨૦ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સતત બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની તોફાની ઇનિંગ્સના જોરે ભારતે મેચ ૭ વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી છે.
ટોસ જીતીને ભારતે ન્યુઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ૨૦૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ ૪૪ રન અને કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ ૪૭ રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરોમાં કેપ્ટન સેન્ટનરના ફિનિશિંગ ટચને કારણે ન્યુઝીલેન્ડ જેમ-તેમ કરીને ભારતને ૨૦૯ રનનો ટાર્ગેટ આપી શકયું હતું.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતીય બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરતા માત્ર ૧૫.૨ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. જીતના હીરો ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહ્યા હતા. આ બન્નેની ધમાકેદાર ઇનિંગ્સ સામે કિવિ ખેલાડીઓનું કંઈ કરી શકયા નહી. કિશને માત્ર ૩૨ બોલમાં ૭૬ રનની તાબડતોબ ઇનિંગ રમી અને કેપ્ટન સૂર્યકુમારે ૮૨ રનની આક્રમક ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને શાનદાર અંદાજમાં જીત અપાવી હતી.
લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૭ બોલમાં ૮૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે ૨૬૮ દિવસ પછી ટી-૨૦ ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારવાનું પરાક્રમ કર્યું છે. નોંધનીય છે કે, કેપ્ટન સૂર્યકુમારનું ફોર્મ ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર હતો, પરંતુ તેમણે તમામ પડકારોનો જડબાતોડ જવાબ આપતા શાનદાર ઇનિંગ રમી છે. સૂર્યાએ ઓકટોબર ૨૦૨૪ પછી આ પ્રથમ અડધી સદી ફટકારી છે.
ઓપનિંગ બેટ્સમેનો જલ્દી આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે બેટિંગની જવાબદારી ઈશાન કિશને સંભાળી હતી. કિશન પાછલી મેચમાં ફ્લોપ રહ્યો હતો, જેના કારણે તેના પર દ્યણા સવાલો ઉઠ્યા હતા, પરંતુ તેણે તમામ સવાલોના જવાબ યોગ્ય રીતે આપ્યા. કિશને ૩૨ બોલમાં ૭૬ રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને બીજી મેચમાં સતત જીત અપાવવાનું કામ કર્યું. સાથે જ તેણે વ્૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન પણ પાકું કરી લીધું છે.
ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. તેમના સિવાય હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ ૧-૧ વિકેટ પોતાના નામે કરી હતી. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૧૩.૨૦ની ઈકોનોમી સાથે ૫૩ રન લુટાવ્યા હતા, પરંતુ તેઓ એક પણ વિકેટ મેળવવામાં સફળ રહ્યા નહોતા.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
