<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ટીમ ઇન્ડીયા સરસાઇ માટે કીવી પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીનો બીજો ટી-ર૦ મેચ રાયપુરમાં રમાશે : ઇજાગ્રસ્ત અક્ષરનું રમવું શંકાસ્પદઃ કુલદીપને તક મળી શકેઃ પીચ શરૂમાં બેટરને તથા પછીથી બોલરને ફાયદો આપશે

રાયપુરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-૨૦ મેચોની સિરીઝની બીજી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ટોસ સાંજે ૬:૩૦ કલાકે થશે અને મેચ ૭ વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા પહેલી ટી-૨૦માં જીત સાથે સિરીઝમાં ૧-૦ થી આગળ છે.

પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા સ્પિન-ઓલરાઉન્ડર અક્ષર પટેલનું આજની મેચ રમવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. એવામાં ભારતીય ટીમની પ્લેઇંગ-૧૧માં ફેરફાર નક્કી છે. જો ટીમ મેનેજમેન્ટ પીચને ધ્યાનમાં રાખે છે, તો ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને તક મળી શકે છે. રાયપુરની પીચ પર બોલ જૂનો થવાની સાથે સ્પિનરોને મદદ મળવાની આશા છે.

ભારતીય ટીમ હેડ ટુ હેડ રેકોર્ડમાં ન્યૂઝીલેન્ડથી આગળ છે. ટીમે ૪૮% મેચ જીતી છે, જ્યારે ૫૩% મેચ ગુમાવી છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી ૨૮ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ૧૫ મેચ ભારતીય ટીમે જીતી, જ્યારે કિવીઝે ૧૦ જીતી છે. ૨ મેચનું પરિણામ આવી શક્યું નથી અને ૧ મેચ ટાઈ રહી હતી. હોમ વેન્યૂઝ પર ભારતીય ટીમની જીતની ટકાવારી વધારે છે. ટીમે ઘરમાં ૬૬% મેચ જીતી છે. ટીમે ૧૨માંથી ૮ મેચમાં જીત નોંધાવી છે, જ્યારે ૪માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

રાયપુરની આ પીચ બેટર્સ અને બોલરો બંને માટે સંતુલિત રહેવાની અપેક્ષા છે. મેચની શરૂઆતમાં બેટર્સને મદદ મળી શકે છે અને રન બનાવવા થોડા સરળ રહેશે. નવા બોલથી ફાસ્ટ બોલરોને સ્વિંગ અને વધારાનો ઉછાળ મળવાની સંભાવના છે. જેમ જેમ મેચ આગળ વધશે, પીચ ધીમી થતી જશે અને બોલને ગ્રીપ મળવા લાગશે, જેનાથી બોલરોને ફાયદો થશે. રાયપુરમાં અત્યાર સુધી માત્ર એક જ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મુકાબલો ૨૦૨૩માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયો હતો, જેને ભારતે ૨૦ રનથી જીત્યો હતો.

રાયપુરનું હવામાન ૨૩ જાન્યુઆરીએ સારું રહેવાનું છે. રિપોર્ટ અનુસાર, અહીંનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે. અહીં પવન ૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની ધારણા છે. સાંજના સમયે હવામાન ઠંડુ થઈ જશે અને મેચમાં વરસાદનો કોઈ અંદાજ નથી.

સંભવીત ટીમ

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડઃ મિચેલ સેન્ટનર (કેપ્ટન), ટિમ રોબિન્સન, ડેવોન કોનવે (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ક્રિશ્ચિયન કલાર્ક, કાઇલ જેમીસન, ઈશ સોઢી અને જેકબ ડફી.

 

(3:13 PM IST)