તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd January 2026
ભારતે પહેલી ટી-૨૦માં ન્યુઝીલેન્ડને ૪૮૨ને હરાવ્યું: અભિષેકની ૮૪ રનની સ્ફોટક ઈનીંગ
ટી-૨૦ વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડીયા ફોર્મમાં : રિંકુ સિંહે ફિનિસરની ભૂમિકા ભજવીઃ તાબડતોબ ૪૪ રન ફટકાર્યાઃ કાલે રાયપુરમાં બીજો ટી-૨૦ જંગ

નાગપુર, તા.૨૨: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની T20 શ્રેણીની શરૂઆત જોરદાર રીતે કરી છે. ગઈકાલે બુધવારે નાગપુરમાં રમાયેલી પહેલી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૪૮ રનથી હરાવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી.
ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૩૮ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. આ ઇનિંગનું મુખ્ય આકર્ષણ અભિષેક શર્માની શાનદાર બેટિંગ રહી. અભિષેકે માત્ર ૩૫ બોલમાં ૮૪ રનની તોફાની ઇનિંગ રમી, જેમાં તેણે અનેક લાંબા છગ્ગા ફટકારતા દર્શકો ઝૂમી ઉઠયા હતા.
ભારતની શરૂઆત ખાસ સારી રહી ન હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્માએ ઇનિંગને સંભાળી લીધી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ઉપયોગી ભાગીદારી થઈ, જેના કારણે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું. સૂર્યકુમાર યાદવે ઝડપી ૩૨ રન બનાવી ટીમને મોમેન્ટમ આપ્યો.
ઇનિંગના અંતિમ ભાગમાં રિંકુ સિંહે શાંત પરંતુ અસરકારક બેટિંગ કરી. તેણે ૨૦ બોલમાં અણનમ ૪૪ રન બનાવીને ભારતને ૨૩૦ પાર પહોંચાડ્યું.
ન્યુઝીલેન્ડે ૨૩૯ રનના મોટા લક્ષ્ય સામે શરૂઆત ખૂબ જ નબળી રહી. બીજા જ બોલે ડેવોન કોનવે આઉટ થઈ ગયા. શરૂઆતના વિકેટ ઝડપથી પડતા ગયા છતાં ગ્લેન ફિલિપ્સે એક છેડેથી શાનદાર લડત આપી. તેણે ૭૮ રનની આક્રમક ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શકયો નહીં.
ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ બે-બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડના રન રોકયા. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલે પણ મહત્વની વિકેટ મેળવી. ઈનીંગના અંતે ૨૦ ઓવરમાં ન્યૂઝીલેન્ડ માત્ર ૧૯૦ રન જ બનાવી શકયું અને ભારતે મેચ ૪૮ રનથી જીતી લીધી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં મજબૂત શરૂઆત કરી છે. હવે બીજી મેચ કાલે તા.૨૩ના રોજ રાયપુરમાં રમાશે, જ્યાં ભારતીય ટીમ પોતાની લીડ વધારવા પ્રયાસ કરશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
