<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ક્રિકેટના મેદાન પર રાજનીતિનું ગ્રહણ: ‘શું અમે ખરેખર વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ?’ બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસના સવાલે મચાવ્યો ખળભળાટ

ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર અનિશ્ચિતતાના વાદળો: સુરક્ષા અને રાજદ્વારી તણાવ વચ્ચે બાંગ્લાદેશની મેચો શ્રીલંકા ખસેડવાની માંગ, મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખતા વિવાદ વકર્યો

ઢાકા: આગામી મહિને ભારતમાં આયોજિત થનાર T20 વર્લ્ડ કપ ૨૦26 પહેલા ક્રિકેટ જગતમાં ભારે અફરાતફરી મચી છે. બાંગ્લાદેશની ટીમના કેપ્ટન લિટન દાસે ભારત પ્રવાસ અને વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે અત્યંત ચિંતાજનક નિવેદન આપ્યું છે. લિટન દાસે સવાલ ઉઠાવ્યો છે કે, "શું તમને ખાતરી છે કે અમે વર્લ્ડ કપમાં જઈ રહ્યા છીએ?" આ નિવેદને સાબિત કરી દીધું છે કે બાંગ્લાદેશી ખેલાડીઓમાં અત્યારે ભારે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.
 
કેમ ઉભો થયો આ વિવાદ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ જોવા મળી રહી છે. આ વિવાદના મુખ્ય ત્રણ કારણો છે:
1.    સુરક્ષા ચિંતાઓ: બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને BCCI ના નિર્દેશ પર IPL માંથી બાકાત રાખવામાં આવતા બાંગ્લાદેશે સુરક્ષાનો હવાલો આપી ભારત આવવાનો ઇનકાર કર્યો છે.
2.    રાજદ્વારી તણાવ: બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થયેલા હુમલાને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વણસ્યા છે.
3.    મેચોનું સ્થળાંતર: બાંગ્લાદેશે રત્તાક્ષર કરીને માંગ કરી છે કે તેમની હિસ્સાની તમામ મેચો ભારતને બદલે શ્રીલંકા ખસેડવામાં આવે.
 
લિટન દાસનો છલકાયો આક્રોશ
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માંથી બહાર થયા બાદ લિટન દાસે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું, "અમે ટીમની જાહેરાત તો કરી દીધી છે, પણ હજુ સુધી કોઈ ખેલાડીને એ ખબર નથી કે અમારે કયા દેશમાં જવાનું છે કે કોની સામે રમવાનું છે. આખું બાંગ્લાદેશ અત્યારે અનિશ્ચિતતામાં જીવી રહ્યું છે." જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે ખેલાડીઓ બોર્ડના અંતિમ નિર્ણયને શિરોમાન્ય રાખશે.
 
PCB ની એન્ટ્રી અને BCCI નો પક્ષ
આ વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ ઝંપલાવ્યું છે અને બાંગ્લાદેશના ભારત પ્રવાસના ઇનકારને સમર્થન આપતા તેમની મેચો પાકિસ્તાનમાં આયોજિત કરવાની ઓફર કરી છે. બીજી તરફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવે આ મામલે મોટો અપડેટ આપવાની તૈયારી કરી છે. વર્લ્ડ કપના શિડ્યુલમાં ફેરફાર થશે કે બાંગ્લાદેશ આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે, તેનો અંતિમ નિર્ણય આજે ૨૧ જાન્યુઆરીના રોજ લેવામાં આવી શકે છે.
આ નિર્ણય માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ બંને દેશોના ભવિષ્યના રમત સંબંધો પર પણ મોટી અસર કરશે.

(7:36 PM IST)