<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 પરથી હટ્યો સસ્પેન્સ: ઈશાન કિશનનો 786 દિવસનો 'વનવાસ' પૂરો, ન્યુઝીલેન્ડ સામે શ્રેયસ ઐયરને બદલે ઈશાન મેદાનમાં ગરજશે

કેપ્ટન સૂર્યકુમાર યાદવની મોટી જાહેરાત: નાગપુર ટી20માં ઈશાન કિશન નંબર-3 પર કરશે બેટિંગ; સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ફળ

નાગપુ :ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી શરૂ થઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી પહેલા ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત તિલક વર્માના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન મળશે - ઈશાન કિશન કે શ્રેયસ ઐયર? આ સવાલનો અંત કેપ્ટન સૂર્યકુમાર યાદવે લાવી દીધો છે. સૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ મેચમાં ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન જ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
 ઈશાન કિશન માટે આ મેચ ભાવનાત્મક અને ઐતિહાસિક હશે. ૨૮ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચ રમનાર ઈશાન લગભગ ૭૮૬ દિવસ બાદ ફરીથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. લાંબા સમય સુધી ટીમની બહાર રહ્યા બાદ, સ્થાનિક ક્રિકેટમાં શાનદાર રમત બતાવીને તેણે પસંદગીકારોને મજબૂર કરી દીધા છે. કેપ્ટન સૂર્યાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "ઈશાન વર્લ્ડ કપની ટીમનો હિસ્સો છે અને તે જે રીતે રમી રહ્યો છે તે જોતા તે આ તક માટે પૂરેપૂરો હકદાર છે."
 ઈશાન નંબર-3, સૂર્યા નંબર-4: કેપ્ટન સૂર્યાએ રણનીતિનો ખુલાસો કરતા કહ્યું કે ઈશાન કિશન આ શ્રેણીમાં ત્રીજા નંબર પર બેટિંગ કરીને વિરોધી ટીમ પર આક્રમણ કરશે, જ્યારે કેપ્ટન પોતે ચોથા નંબરની જવાબદારી સંભાળશે. બીજી તરફ, લાંબા સમય બાદ ટીમમાં પરત ફરેલા શ્રેયસ ઐયરને હાલમાં બેન્ચ પર બેસીને પોતાની તકની રાહ જોવી પડશે.
ઈશાન કિશનની પસંદગી પાછળ તેનું તાજેતરનું ફોર્મ મુખ્ય કારણ છે. તેણે ઝારખંડને પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેણે ૫૦૦ થી વધુ રન બનાવ્યા અને ફાઇનલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. એટલું જ નહીં, વિજય હજારે ટ્રોફીમાં પણ તેણે માત્ર ૩૪ બોલમાં સદી ફટકારીને સાબિત કર્યું હતું કે તે કોઈપણ બોલિંગ એટેકને તોડી પાડવા સક્ષમ છે.
ટીમ ઈન્ડિયાની આ રણનીતિ દર્શાવે છે કે તેઓ તિલક વર્મા ફિટ થાય ત્યાં સુધી ઈશાનને તૈયાર કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે 'પોકેટ ડાયનામો' તરીકે ઓળખાતો ઈશાન કીવી બોલરો સામે કેવો ધમાકો કરે છે.

(8:40 PM IST)