<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં સોૈરાષ્‍ટ્રને હરાવી વિદર્ભ ચેમ્‍પીયન બન્‍યું : અથર્વની સદી

વિદર્ભે ૩૧૭/૮ રન બનાવ્‍યા, સોૈરાષ્‍ટ્ર ૨૭૯ રનમાં ઓલઆઉટ : પ્રેરક માંકડ, ચિરાગ જાનીની ફીફટી

નવી દિલ્‍હી : વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ મેચમાં વિદર્ભે સૌરાષ્‍ટ્રને હરાવીને શાનદાર વિજય મેળવ્‍યો છે. આ રોમાંચક મેચમાં વિદર્ભની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૭ રનનો જંગી સ્‍કોર ઉભો કર્યો હતો, જેમાં અથર્વ તાઈડેએ શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં સૌરાષ્‍ટ્રની ટીમ ૪૮.૫ ઓવરમાં ૨૭૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્‍ટ્ર તરફથી પ્રેરક માંકડે લડાયક ૮૮ રન બનાવ્‍યા હતા. બોલિંગમાં સૌરાષ્‍ટ્રના અંકુર પનવારે ૪ વિકેટ ઝડપી હતી, જ્‍યારે વિદર્ભ તરફથી યશ ઠાકુરે સૌથી વધુ ૪ વિકેટ લઈને જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

વિદર્ભ તરફથી ઓપનિંગ બેટ્‍સમેન અથર્વ તાઈડેએ મેચની એકમાત્ર સદી નોંધાવી હતી. તેણે માત્ર ૧૧૮ બોલનો સામનો કરતા ૧૫ ચોગ્‍ગા અને ૩ શાનદાર છગ્‍ગાની મદદથી ૧૨૮ રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ સિવાય અન્‍ય કોઈ બેટ્‍સમેન સદી ફટકારી શકયા ન હતા, પરંતુ યશ રાઠોડે ૬૧ બોલમાં ૨ ચોગ્‍ગા અને ૨ છગ્‍ગા સાથે ૫૪ રનની અડધી સદી નોંધાવી હતી.

સૌરાષ્‍ટ્રના બોલરોમાં અંકુર પનવારે સૌથી સફળ બોલિંગ કરતા ૧૦ ઓવરમાં ૬૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ ૧૦ ઓવરમાં ૪૫ રન આપી ૨ વિકેટ અને ચિરાગ જાનીએ ૧૦ ઓવરમાં ૬૫ રન આપી ૨ વિકેટ મેળવી હતી. જ્‍યારે જયદેવ ઉનડકટ (૧૦ ઓવરમાં ૬૫ રન), પ્રેરક માંકડ (૭ ઓવરમાં ૪૩ રન) અને ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (૩ ઓવરમાં ૨૭ રન) ને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. સૌરાષ્‍ટ્રના બેટ્‍સમેનોના દેખાવ પર નજર કરીએ તો, હાર્વિક દેસાઈએ ૨૫ બોલમાં ૩ ફોર અને ૧ સિક્‍સ સાથે ૨૦ રન કર્યા હતા. વિશ્વરાજ જાડેજાએ ૧૧ બોલમાં ૧ ફોર સાથે ૯ રન, પ્રેરક માંકડે ૯૨ બોલમાં ૧૦ ફોર સાથે ૮૮ રન, સમર ગજ્જરે ૩૬ બોલમાં ૩ ફોર સાથે ૨૫ રન અને પાર્શ્વરાજ રાણાએ ૨૦ બોલમાં ૭ રન બનાવ્‍યા હતા. ચિરાગ જાનીએ ૬૩ બોલમાં ૩ ફોર અને ૨ સિક્‍સ સાથે ૬૪ રન, રુચિત આહિરે ૨૩ બોલમાં ૧ સિક્‍સ સાથે ૨૧ રન, જયદેવ ઉનડકટે ૫ બોલમાં ૧ ફોર સાથે ૬ રન, ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ ૭ બોલમાં ૧ ફોર સાથે ૮ રન અને ચેતન સાકરિયાએ ૧૨ બોલમાં ૧ સિક્‍સ સાથે ૧૧ રન નોંધાવ્‍યા હતા. અંકુર પનવાર શૂન્‍ય રને અણનમ રહ્યો હતો.

વિદર્ભના બોલરોમાં યશ ઠાકુરે ૯.૫ ઓવરમાં ૫૦ રન આપીને ૪ મહત્‍વની વિકેટો ઝડપી હતી. નાચિકેટ ભૂતેએ ૯ ઓવરમાં ૪૬ રન આપી ૩ વિકેટ, દર્શન નાલકાંડેએ ૧૦ ઓવરમાં ૫૨ રન આપી ૨ વિકેટ અને હર્ષ દુબેએ ૧૦ ઓવરમાં ૫૯ રન આપી ૧ વિકેટ મેળવી હતી. જ્‍યારે પાર્થ રેખડેએ ૧૦ ઓવર બોલિંગ કરી ૬૯ રન આપ્‍યા હતા, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.

(4:24 PM IST)