<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ભારતીય યુવા બ્રિગેડનો બુલાવાયોમાં 'વિજયી શંખનાદ': વિહાન મલ્હોત્રા અને કુંડુની કમાલ, બાંગ્લાદેશ સામે ૧૮ રને જીત; શ્રીલંકાના ઓપનરોએ રચ્યો વિશ્વ રેકોર્ડ!

માત્ર ૪૦ રનમાં બાંગ્લાદેશની છેલ્લી ૮ વિકેટો ખડી પડી, વરસાદી વિઘ્ન વચ્ચે મલ્હોત્રાની તિક્ષણ બોલિંગે હારેલી બાજી પલટી; જાપાન સામે લંકાના ચામુદિથાની ૧૯૨ રનની વિસ્ફોટક ઇનિંગ

બુલાવાયો: અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરતા બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં ૧૮ રનથી પરાજય આપ્યો છે. વરસાદના કારણે પ્રભાવિત થયેલી આ મેચમાં એક સમયે બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ વિહાન મલ્હોત્રાની આગેવાનીમાં ભારતીય બોલરોએ જબરદસ્ત વાપસી કરીને બાંગ્લાદેશી બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા હતા.
ભારતની શરૂઆત ડગમગી પણ કુંડુએ બાજી સંભાળી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૦ બોલમાં અડધી સદી ફટકારીને આક્રમક તેવર બતાવ્યા હતા. ત્યારબાદ અભિજ્ઞાન કુંડુએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા ૮૦ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. વરસાદના કારણે રમત અટકી ત્યારે મેચ ૪૯ ઓવરની કરવામાં આવી હતી અને ભારત ૨૩૮ રનના સ્કોરે ઓલઆઉટ થયું હતું.
બાંગ્લાદેશનો ગભરાટ અને ભારતની 'ઘાતક' બોલિંગ
વરસાદના બીજા વિક્ષેપ બાદ બાંગ્લાદેશને ૨૯ ઓવરમાં ૧૬૫ રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. ૨૦ ઓવર સુધી ૨ વિકેટે ૧૦૨ રન બનાવીને બાંગ્લાદેશ જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અહીંથી ખરો ખેલ શરૂ થયો. વિહાન મલ્હોત્રાએ આક્રમણમાં પરત ફરીને મહત્વની ભાગીદારી તોડી અને બાંગ્લાદેશી છાવણીમાં ગભરાટ ફેલાવી દીધો. ખિલન પટેલ અને હેનિલ પટેલે પણ સચોટ બોલિંગ કરીને બાંગ્લાદેશની છેલ્લી ૮ વિકેટો માત્ર ૪૦ રનના અંતરાલમાં પાડી દીધી હતી.
શ્રીલંકાના ઓપનરોનો ઇતિહાસ: ૩૨૮ રનની ભાગીદારી
બીજી તરફ, શ્રીલંકાએ જાપાન સામેની મેચમાં રેકોર્ડબુકના પાના ફેરવી નાખ્યા હતા. લંકાના ઓપનરો દિમંથા મહાવિથાના (૧૧૫) અને વિરન ચામુદિથા (૧૯૨) એ પ્રથમ વિકેટ માટે ૩૨૮ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. ચામુદિથા અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકાના ૩૮૭ રનના તોતિંગ સ્કોર સામે જાપાન ૧૮૪ રન જ બનાવી શક્યું હતું અને લંકાએ ૨૦૩ રને ભવ્ય જીત મેળવી હતી.

(10:41 PM IST)