<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

'આ તો વર્લ્ડ કપ ફાઈનલ જેવો જંગ!': કિવિઝ સામેના નિર્ણાયક મુકાબલા પહેલા મોહમ્મદ સિરાજનો હુંકાર, ડેરિલ મિશેલના તોફાનને રોકવા બનાવ્યો ખાસ માસ્ટર પ્લાન

રાજકોટમાં હાર બાદ ઈન્દોરમાં 'કરો યા મરો'ની સ્થિતિ; રણજીમાં હૈદરાબાદનું સુકાની પદ સંભાળતા પહેલા સિરાજ ભારતને શ્રેણી જીતાડવા માટે બેતાબ

ઈન્દોર : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાનારો ત્રીજો વનડે મુકાબલો હવે દ્વિપક્ષીય શ્રેણી કરતાં પણ વધુ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. ભારતીય પેસ એટેકના આગેવાન મોહમ્મદ સિરાજે આ નિર્ણાયક મેચની સરખામણી 'વર્લ્ડ કપ ફાઈનલ' સાથે કરીને મેચની ગંભીરતા અને દબાણનો અહેસાસ કરાવ્યો છે. શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર હોવાથી રવિવારે જે જીતશે તે ટ્રોફી પર કબજો કરશે.
મિશેલના ખતરા સામે ખાસ રણનીતિ
ન્યુઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન ડેરિલ મિશેલ ભારતીય બોલરો માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લી બે મેચમાં 84 અને 131* રન ફટકારીને તેણે ભારત પાસેથી જીત છીનવવાનો પ્રયાસ કર્યો છે. સિરાજે કબૂલ્યું કે, "મિશેલ સ્પિન સામે શાનદાર રમે છે અને ગેમ પ્લાન સાથે મેદાનમાં ઉતરે છે. રાજકોટમાં અમારો કેચ છૂટ્યો ન હોત તો સ્થિતિ અલગ હોત, પણ આ વખતે અમે તેને વહેલી તકે પેવેલિયન ભેગો કરવા માટે તૈયાર છીએ." સિરાજે ભારતીય બોલિંગ અંગેની ચિંતાઓને ફગાવી દેતા કહ્યું કે, બધું માત્ર એક વિકેટની રમત છે.
કિવિઝ માટે ઇતિહાસ રચવાની તક
ન્યુઝીલેન્ડની ટીમે ભારતમાં અત્યાર સુધી ક્યારેય દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી નથી. ભારત સામે રમાયેલી 41 મેચોમાંથી તેઓ માત્ર 9 જ જીતી શક્યા છે. જોકે, રાજકોટમાં મળેલા વિજયે તેમના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. સિરાજના મતે ભારત માટે આવા ઉચ્ચ દબાણવાળા સંજોગોમાં રમવું એ વર્લ્ડ કપની તૈયારી માટેની શ્રેષ્ઠ તક છે.
હૈદરાબાદનો 'નવો નવાબ' બનશે સિરાજ
ઈન્દોરના આ મોટા મુકાબલા બાદ સિરાજ માટે વધુ એક ગૌરવશાળી ક્ષણ આવવાની છે. સિરાજ રણજી ટ્રોફીમાં હૈદરાબાદની ટીમનું નેતૃત્વ કરશે. તેણે લાગણીશીલ થઈને કહ્યું, "પોતાના રાજ્યની ટીમનું નેતૃત્વ કરવું એ દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. મુંબઈ જેવી મજબૂત ટીમ સામે કેપ્ટન તરીકે ડેબ્યૂ કરવું એ મારા માટે પડકારજનક અને ગર્વની વાત છે." હૈદરાબાદ 22 જાન્યુઆરીથી મુંબઈ સામે ટકરાશે.
હવે આખું ભારત જોશે કે શું 'મિયાં મેજિક' ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને હંફાવીને ભારતને શ્રેણી જીતાડવામાં સફળ રહે છે કે નહીં.

(8:56 PM IST)