તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
BBL માં પર્થ સ્કોર્ચર્સની બાદશાહી: મેલબોર્ન સ્ટાર્સને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું, ફાઈનલ ક્વોલિફાયરની યજમાની પર્થને મળી
ઝાય રિચાર્ડસન અને ફિન એલનનો જાદુ ચાલ્યો; હેરિસ રૌફની ઘાતક બોલિંગ છતાં મેલબોર્ન સ્ટાર્સનો પરાજય - એડિલેડ સ્ટ્રાઈકર્સે પણ જીત સાથે લીધી વિદાય

પર્થ : પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પર્થ સ્કોર્ચર્સે મેલબોર્ન સ્ટાર્સને ૬ વિકેટે પરાસ્ત કરીને બિગ બેશ લીગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ જીત સાથે સ્કોર્ચર્સની ટીમે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે, જેનો અર્થ એ છે કે હવે તેઓ પોતાના ઘરેલું મેદાન પર ક્વોલિફાયર મેચ રમશે. છઠ્ઠા ટાઇટલની શોધમાં રહેલી પર્થ માટે આ એક મોટી સફળતા છે.
ઝાય રિચાર્ડસનનો બોલિંગ માસ્ટરક્લાસ
મેચની શરૂઆતથી જ સ્કોર્ચર્સના બોલરોએ મેલબોર્ન સ્ટાર્સ પર દબાણ બનાવી દીધું હતું. સ્ટાર્સના કેપ્ટન માર્કસ સ્ટોઈનિસે ૫૫ રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ સામે છેડે ઝાય રિચાર્ડસને કહેર વર્તાવ્યો હતો. રિચાર્ડસને માત્ર ૧૬ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી, જેના કારણે મેલબોર્ન સ્ટાર્સની ટીમ ૧૮.૨ ઓવરમાં ૧૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હેરિસ રૌફની લડત અને ફિન એલનનો પાવર શો
૧૩૧ રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પર્થની શરૂઆત ખરાબ રહી હતી. પાકિસ્તાની સ્પીડસ્ટર હેરિસ રૌફે તરખાટ મચાવતા માત્ર ૨ રનમાં ૩ વિકેટ ઝડપી પર્થનો સ્કોર ૨૬/૩ કરી દીધો હતો. જોકે, ફિન એલને વળતો પ્રહાર કરતા ૩૯ બોલમાં ૭ છગ્ગાની મદદથી ૬૯ રન ફટકારી મેચનો પાસો પલટી નાખ્યો હતો. એરોન હાર્ડીએ પણ ૪૧ રનનું મહત્વનું યોગદાન આપતા પર્થે ૩ ઓવર બાકી રહેતા વિજય મેળવી લીધો હતો.
એડિલેડ સ્ટ્રાઈકર્સે રેનેગેડ્સને રગદોળ્યું: ૯૯ રનમાં ઓલઆઉટ કરીને ૮ વિકેટે જીત મેળવી
એડિલેડ, તા.17 : દિવસની બીજી મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સે મેલબોર્ન રેનેગેડ્સને એકતરફી મુકાબલામાં હરાવીને પોતાની સીઝનનો અંત શાનદાર જીત સાથે કર્યો છે. ભારતીય મૂળના સીમર જેર્સિસ વાડિયાએ પ્રથમ બે બોલમાં બે વિકેટ ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી.
તબરેઝ શમ્સીની સ્પિન જાળમાં ફસાયેલી રેનેગેડ્સની ટીમ માત્ર ૯૯ રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. શમ્સીએ ૧૫ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. ૧૦૦ રનના નાના લક્ષ્યને એડિલેડે માત્ર ૧૧.૫ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને પાર કરી લીધું હતું. આ જીત સાથે એડિલેડ છઠ્ઠા ક્રમે રહ્યું, જ્યારે રેનેગેડ્સ સાતમા ક્રમે ધકેલાયું છે.
સંક્ષિપ્ત સ્કોર:
• મેલબોર્ન સ્ટાર્સ: ૧૩૦/૧૦; પર્થ સ્કોર્ચર્સ: ૧૩૪/૪ (૬ વિકેટે જીત)
• મેલબોર્ન રેનેગેડ્સ: ૯૯/૧૦; એડિલેડ સ્ટ્રાઈકર્સ: ૧૦૦/૨ (૮ વિકેટે જીત)
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
