<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મેલબોર્નના મેદાનમાં ઇતિહાસ રચવા થનગની રહ્યો છે કાર્લોસ અલ્કારાઝ: ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને 'કરિયર ગ્રાન્ડ સ્લેમ' પૂર્ણ કરનાર સૌથી યુવા ખેલાડી બનવા પર નજર

રાફેલ નડાલનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક; કોચ જુઆન કાર્લોસ ફેરેરો સાથેના છેડા ફાડ્યા બાદ પ્રથમ અગ્નિપરીક્ષા, ટાઇટલ માટેની 'ભૂખ' વિરોધીઓ માટે બની શકે છે ખતરો

મેલબોર્ન : વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે વર્ષ ૨૦૨૬ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ 'ઓસ્ટ્રેલિયન ઓપન' શરૂ થાય તે પહેલા વિરોધીઓને ચેતવણી આપી દીધી છે. સ્પેનના આ ૨૨ વર્ષીય ખેલાડીએ શુક્રવારે જણાવ્યું હતું કે, તે મેલબોર્ન પાર્ક ખાતે ક્રાઉન જીતવા અને ટેનિસના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે 'કરિયર ગ્રાન્ડ સ્લેમ' (ચારેય મેજર ટાઇટલ જીતવા) પૂર્ણ કરવા માટે અત્યંત "આતુર" છે.
નડાલના રેકોર્ડ પર ખતરો
જો કાર્લોસ અલ્કારાઝ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતે છે, તો તે તેના જ દેશના મહાન ખેલાડી રાફેલ નડાલને પાછળ છોડી દેશે. રાફેલ નડાલે ૨૪ વર્ષની ઉંમરે ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતવાની સિદ્ધિ મેળવી હતી, જ્યારે અલ્કારાઝ અત્યારે માત્ર ૨૨ વર્ષનો છે. અલ્કારાઝ અત્યાર સુધીમાં અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ક્વાર્ટર ફાઇનલ સુધીનું જ રહ્યું છે.
"આ વર્ષનું મારું મુખ્ય લક્ષ્ય"
પોતાના ટાઇટલ જીતની શરૂઆત ઓસ્ટ્રેલિયાના એડમ વોલ્ટન સામે કરનાર અલ્કારાઝે ઉત્સાહ સાથે કહ્યું, "મને લાગે છે કે આ વર્ષ માટે આ મારો મુખ્ય ધ્યેય છે. મેં પ્રી-સીઝનમાં ખરેખર સખત મહેનત કરી છે. કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવું એ અદ્ભુત હશે અને સૌથી નાની ઉંમરે તે સિદ્ધિ મેળવવી એ સોનામાં સુગંધ ભળવા જેવું હશે."
નવી ટીમ અને નવા પડકારો
મેલબોર્ન પહોંચતા પહેલા અલ્કારાઝની કોચિંગ ટીમમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ૭ વર્ષ સુધી જેમના માર્ગદર્શન હેઠળ તેણે સફળતા મેળવી, તેવા કોચ જુઆન કાર્લોસ ફેરેરો સાથે ડિસેમ્બરમાં અચાનક છેડા ફાડી નાખ્યા છે. હવે તે સેમ્યુઅલ લોપેઝના માર્ગદર્શન હેઠળ મેદાનમાં ઉતરશે. કોચ સાથેના વિભાજન અંગે તેણે કહ્યું કે, આ એક પરસ્પર નિર્ણય હતો અને તેને પોતાની વર્તમાન ટીમ પર પૂરો વિશ્વાસ છે.
જેનિક સિનર અને અન્ય દિગ્ગજો સામે ટકરાવા માટે અલ્કારાઝ તૈયાર છે. ટેનિસ પ્રેમીઓ આતુરતાથી જોઈ રહ્યા છે કે શું આ સ્પેનિશ યુવા ખેલાડી મેલબોર્નમાં વિજય ધ્વજ લહેરાવીને નવો ઇતિહાસ લખી શકશે કે કેમ.

(10:05 PM IST)