તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
પાકિસ્તાની ખેલાડીની અક્કલનું પ્રદર્શન: અહેમદ શહેઝાદને સચિન-સેહવાગ કરતા 'ચડિયાતો' ગણાવતા સાહિબઝાદા ફરહાન સોશિયલ મીડિયા પર ભયંકર ટ્રોલ
બાસિત અલીએ હાથ જોડીને માફી માંગી અને પૂછ્યું- "શું આ વીડિયો બનાવતી વખતે તમે ભાનમાં હતા?"; રોહિત શર્મા અને સઈદ અનવર જેવા દિગ્ગજોને પણ સાઈડમાં કરી દેતા ક્રિકેટ જગતમાં હાસ્યની છોળો

નવી દિલ્હી: પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાન અત્યારે રન બનાવવાને બદલે પોતાના એક વિવાદાસ્પદ વીડિયોને કારણે ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ફરહાને અહેમદ શહેઝાદની સરખામણી ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા જેવા દિગ્ગજો સાથે કરી અને શહેઝાદને આ તમામ કરતા શ્રેષ્ઠ ગણાવ્યો. આ નિવેદન બાદ પાકિસ્તાની ચાહકોએ જ તેને આડે હાથે લીધો છે અને સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
આ નિવેદન એટલું હાસ્યાસ્પદ હતું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. યુટ્યુબ ચેનલ 'ધ ગેમ પ્લાન' પર બાસિત અલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "મને વિશ્વાસ નથી આવતો કે કોઈ આટલું પાગલ હોઈ શકે. શું તે ભાનમાં હતો?" બાસિત અલી અને કામરાન અકમલે તો ત્યાં સુધી કહી દીધું કે સાહિબઝાદાની આ ભૂલ બદલ અમે આખા વિશ્વ પાસે હાથ જોડીને માફી માંગીએ છીએ.
અહેમદ શહેઝાદે પાકિસ્તાન માટે ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેની સરખામણી સચિન (૧૦૦ સદી) કે સેહવાગ (બેવડી સદીઓના બાદશાહ) સાથે કરવી એ ક્રિકેટના જાણકારો માટે મૂર્ખામી સમાન છે. ફરહાનના આ 'અંધપ્રેમ' ને કારણે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB) ની છબીને પણ નુકસાન પહોંચ્યું છે. ફેન્સ કહી રહ્યા છે કે રમવા પર ધ્યાન આપો, આવા ફાલતુ નિવેદનો પર નહીં.
સાહિબઝાદા ફરહાન અત્યારે પાકિસ્તાનની T20 ટીમનો ભાગ છે અને તેણે ૩૭ મેચોમાં ૯૧૭ રન બનાવ્યા છે. તેને આગામી T20 વર્લ્ડ કપની કામચલાઉ ટીમમાં પણ સ્થાન મળ્યું છે. જોકે, આ વિવાદ બાદ તેની રમત કરતા તેના આ નિવેદનની ચર્ચા વધુ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે તે મેદાન પર ઉતરે છે ત્યારે બેટથી જવાબ આપી શકે છે કે કેમ.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
