<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ઈન્ડિયા ઓપન: કોર્ટ પર શ્રીકાંત અને પ્રણોયનો દબદબો, રોમાંચક મેચોમાં વિજય મેળવી આગલા રાઉન્ડમાં પ્રવેશ; પીવી સિંધુની આંચકાજનક હાર

કિદામ્બી શ્રીકાંતે સાથી ખેલાડી થરૂનને હંફાવ્યો, જ્યારે પ્રણોયે હોંગકોંગના ખેલાડીને આપી માત; વિયેતનામની ખેલાડી સામે સિંધુનો સંઘર્ષ નિષ્ફળ રહેતા ટુર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી : નવી દિલ્હીમાં રમાઈ રહેલી પ્રતિષ્ઠિત 'ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ'માં ભારત માટે રવિવારનો દિવસ મિશ્ર લાગણીઓ લઈને આવ્યો હતો. મેન્સ સિંગલ્સમાં ભારતના સ્ટાર ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણોયે પોતપોતાની મેચો જીતીને શાનદાર શરૂઆત કરી છે, પરંતુ મહિલા સિંગલ્સમાં ભારતની આશા એવી પીવી સિંધુની હારથી ચાહકોમાં નિરાશા જોવા મળી છે.
શ્રીકાંતની રોમાંચક જીત અને પ્રણોયનો પાવર
ભૂતપૂર્વ વિશ્વ નંબર વન કિદામ્બી શ્રીકાંત અને યુવા ભારતીય ખેલાડી થરૂન માનેપલ્લી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ સેટ ૧૫-૨૧ થી ગુમાવ્યા બાદ શ્રીકાંતે જોરદાર વાપસી કરી હતી અને બીજા સેટમાં થરૂનને માત્ર ૬ પોઈન્ટ પર રોકી ૨૧-૬ થી જીતી લીધો હતો. ત્રીજા અને નિર્ણાયક સેટમાં અનુભવનો ઉપયોગ કરી શ્રીકાંતે ૨૧-૧૯ થી મેચ પોતાના નામે કરી હતી. બીજી તરફ, એચએસ પ્રણોયે હોંગકોંગના લી ચેઉક યિયુ સામે સીધા સેટમાં ૨૨-૨૦ અને ૨૧-૧૮ થી જીત મેળવી પોતાની લય જાળવી રાખી હતી.
પીવી સિંધુનો આંચકાજનક પરાજય
મહિલા સિંગલ્સના ૬૪ના રાઉન્ડમાં ભારતને મોટો ફટકો પડ્યો હતો. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુનો મુકાબલો વિયેતનામની થુય લિનહ ન્ગ્યુએન સામે હતો. સિંધુએ પ્રથમ સેટ ૨૨-૨૦ થી જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ તે પોતાની લય ગુમાવી બેઠી હતી. વિયેતનામની ખેલાડીએ વળતો પ્રહાર કરતા આગામી બે સેટ ૧૨-૨૧ અને ૧૫-૨૧ થી જીતી લઈને સિંધુને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી.
ટુર્નામેન્ટમાં હવે શ્રીકાંત અને પ્રણોય પર ભારતની મેડલની આશાઓ ટકેલી છે. આગામી રાઉન્ડમાં આ બંને દિગ્ગજ ખેલાડીઓ વધુ મજબૂત હરીફો સામે ટકરાશે.

(6:22 PM IST)