<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગુજરાત ટાઇટન્‍સ ગુજરાતના ૫ શહેરોમાં ત્રીજી એડિશન રજૂ કરશે

રાજકોટ તા.૧૫ : ગુજરાત ટાઇટન્‍સ તેની પાયાના સ્‍તરની મુખ્‍ય પહેલ જુનિયર ટાઇટન્‍સની ત્રીજી એડિશન ગુજરાતના પાંચ શહેરોમાં શરૂ કરવા માટે સજ્જ છે.આ પહેલ ‘લેટ્‍સ સ્‍પોર્ટ આઉટ!'ની ભાવના રજૂ કરે છે. ૨૦૨૬ની એડિશન છેલ્લા બે વર્ષમાં નાખવામાં આવેલા પાયા પર બનેલી છે,જેના હેઠળ રાજ્‍યના અનેક શહેરોમાં ૧૦,૦૦૦થી વધુ બાળકો સામૂહિકપણે જોડાયા છે.આ પહેલ નાના બાળકોમાં શારીરિક પ્રવળત્તિ,ઘરની બહાર રમવા અને રમતગમતના ઉત્‍સાહને પ્રોત્‍સાહન આપવાની ફ્રેન્‍ચાઇઝની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

પ્રથમ એડિશનમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભુજમાં એક્‍ટિવેશન્‍સ કરવામાં આવ્‍યા હતા, જેનું સમાપન અમદાવાદમાં કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં૧૦૦થી વધુ શાળાઓના ૧૪ વર્ષથી ઓછી ઉંમરના ૫,૦૦૦થી વધુ બાળકો સામેલ થયા હતા.

૨૦૨૫માં બીજી એડિશન જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પાલનપુર અને અમદાવાદમાં કાર્યક્રમો સાથે રાજ્‍યભરમાં આગળ વધી હતી, જેમાં ફરી એકવાર ૧૦૦થી વધુ શાળાઓના ૫,૦૦૦થી વધુ બાળકો સામેલ થયા હતા.

ત્રીજી એડિશન ૧૭ જાન્‍યુ., શનિવારના રોજ સુરેન્‍દ્રનગરમાં કેમ્‍બ્રિજ સ્‍કૂલ ઓફ એક્‍સીલન્‍સ ખાતેથી શરૂ થશે. ત્‍યારબાદ આ પ્રોગ્રામ દર શનિવારે એક નવા શહેરમાં યોજાશે જેના અંતર્ગત મોરબી (૨૪ જાન્‍યુ.), અમરેલી (૩૧ જાન્‍યુ.) અને આણંદ (૭ ફેબ્રુ.)માં પહોંચશે અને ૧૪ ફેબ્રુઆરીના અમદાવાદમાં સમાપ્ત થશે. આ પહેલનો ઉદ્દેશ્‍ય આ સ્‍થળોએ સેંકડો બાળકોને એકસાથે લાવવાનો તથા તેમને નાનપણથી જ બહાર જવા, રમવા અને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. આ ફોર્મેટ બિન-સ્‍પર્ધાત્‍મક છે, જે ભાગીદારી, સમાવેશકતા અને સક્રિય રહેવાના આનંદને પ્રાથમિકતા આપે છે. લોન્‍ચિંગ પૂર્વે ગુજરાત ટાઇટન્‍સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્‍યું હતું કે, જુનિયર ટાઇટન્‍સની છેલ્લી બે એડિશનમાં અમે પ્રત્‍યક્ષ રીતે જોયું છે કે રમતો ગુજરાતભરના બાળકો, પરિવારો અને સ્‍થાનિક સમુદાયો સાથે કેટલી ગહન રીતે જોડાઈ શકે છે. આ પહેલ સ્‍પર્ધા કે પરિણામો વિશે નથી, પરંતુ ભાગીદારી, આનંદ અને સહિયારા અનુભવો વિશે છે.

 

 

(2:27 PM IST)