તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th January 2026
હરમનપ્રીત કૌરનો વર્લ્ડ રેકોર્ડ: નીતા અંબાણીની મુંબઈ ઈન્ડિયન્સની સુકાનીએ રચ્યો ઈતિહાસ, વિશ્વની અન્ય કોઈ મહિલા ખેલાડી ન કરી શકી એ કારનામો!
WPL 2026 માં ગુજરાત જાયન્ટ્સ સામે હરમનપ્રીતનો માસ્ટરક્લાસ; 10 અડધી સદી ફટકારી મેગ લેનિંગનો વર્ષો જૂનો દબદબો ખતમ કર્યો

મુંબઈ: તા.૧૪: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માં નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની કેપ્ટન હરમનપ્રીત કૌરે મેદાન પર એવું તોફાન મચાવ્યું છે કે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં હરમનપ્રીતે માત્ર પોતાની ટીમને જીત જ નથી અપાવી, પરંતુ એક એવો 'વિશ્વ વિક્રમ' સ્થાપિત કર્યો છે જે અત્યાર સુધી કોઈપણ મહિલા ખેલાડીના નામે નહોતો.
ઐતિહાસિક 10મી અડધી સદીનો રેકોર્ડ
ગુજરાત જાયન્ટ્સ સામે ૧૯૩ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરતા મુંબઈની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. પરંતુ હરમનપ્રીતે દબાણને પચાવીને માત્ર ૪૩ બોલમાં અણનમ ૭૧ રન ઝૂડી કાઢ્યા. આ સાથે જ તેણે WPL ઇતિહાસમાં પોતાની ૧૦મી અડધી સદી પૂરી કરી. તેણે દિગ્ગજ ખેલાડીઓ મેગ લેનિંગ અને નેટ સાયવર-બ્રન્ટ (બંનેની ૯-૯ ફિફ્ટી) ને પાછળ છોડીને ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારી પ્રથમ ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું છે.
ગુજરાત જાયન્ટ્સ પર એકહથ્થુ શાસન
હરમનપ્રીતનું બેટ ગુજરાત જાયન્ટ્સ સામે હંમેશા આગ ઓકતું રહ્યું છે. તેણે જાયન્ટ્સ સામે રમાયેલી ૮ મેચોમાં ૫ અડધી સદી ફટકારી છે, જે કોઈપણ એક ટીમ સામે કોઈ ખેલાડી દ્વારા કરવામાં આવેલો સર્વોચ્ચ સ્કોરિંગ રેકોર્ડ છે. એટલું જ નહીં, હરમનપ્રીતના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે અત્યાર સુધીની તમામ ૮ મેચો જીતીને ૧૦૦% વિનિંગ રેકોર્ડ જાળવી રાખ્યો છે.
ચેઝ માસ્ટર અને બેસ્ટ કેપ્ટન
રનનો પીછો કરતી વખતે હરમનપ્રીત હવે WPL ની સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે. તેણે ચેઝ કરતી વખતે અત્યાર સુધીમાં ૪૯૧ રન બનાવ્યા છે, જે મેગ લેનિંગના ૪૫૧ રન કરતા ઘણા વધારે છે. મુંબઈનો ૧૯૩ રનનો આ સફળ પીછો WPL ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોટો અને મુંબઈ ઇન્ડિયન્સનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર ચેઝ સાબિત થયો છે.
નીતા અંબાણીની આ માર્કી પ્લેયરે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે 'કિંગ' જેવો પ્રભાવ કેવી રીતે પાડવો. હરમનપ્રીતનું આ ફોર્મ જોઈને ચાહકોમાં આગામી મેચો માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
