<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ક્રિકેટ જગતમાં ખળભળાટ: શું બાંગ્લાદેશ 2026 વર્લ્ડ કપમાં ભારત આવવાનો ઇનકાર કરીને પોતાના પગ પર કુહાડી મારી રહ્યું છે?

મુસ્તફિઝુર રહેમાનના IPL કોન્ટ્રાક્ટથી શરૂ થયેલો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાયો : ICC એ બાંગ્લાદેશની હઠ સામે લાલ આંખ કરી ભારતનો પ્રવાસ કરવા અંગે અંતિમ ચેતવણી આપી : પાકિસ્તાનની એન્ટ્રીએ મામલો વધુ ગૂંચવ્યો

ઢાકા :  2026 ના T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના મેદાન પર રમત શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર રાજકીય અને વહીવટી જંગ શરૂ થઈ ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાનું બહાનું ધરીને ભારતનો પ્રવાસ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે, જેની પાછળનું અસલી કારણ BCCI સાથેનો વ્યક્તિગત અણબનાવ માનવામાં આવે છે. મુસ્તફિઝુર રહેમાનનો IPL કરાર રદ થતા જ ભભૂકી ઉઠેલા બાંગ્લાદેશે રમતને બાજુ પર મૂકીને અહંકારની લડાઈ શરૂ કરી દીધી છે. ICC સાથેની તાજેતરની વિડીયો કોન્ફરન્સમાં પણ બાંગ્લાદેશી અધિકારીઓએ નમતું જોખવાને બદલે ઉદ્ધત વલણ અપનાવ્યું હતું, જેને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે.

આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાને આ વહેતા પાણીમાં હાથ ધોવાનો પ્રયાસ કર્યો. બાંગ્લાદેશની ભારત વિરોધી નીતિને ટેકો આપતા પાકિસ્તાને તેમની મેચો પોતાના દેશમાં આયોજિત કરવાની ઓફર કરી છે. હદ તો ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશના રમતગમત સલાહકારે સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ ખોટા દાવા કર્યા કે ICC એ તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે. જોકે, આ જૂઠાણાનો પર્દાફાશ ખુદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જ કરવો પડ્યો હતો. ICC એ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ફાઈનલ છે અને બાંગ્લાદેશે કોઈ પણ ભોગે ભારતમાં રમવા આવવું જ પડશે, અન્યથા તેના પર ગંભીર પગલાં લેવામાં આવી શકે છે.

વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ભાવનાઓમાં વહીને એક મોટું જોખમ લઈ રહ્યું છે. ભારત જેવા ક્રિકેટના પાવરહાઉસ સાથે દુશ્મનાવટ વહોરવી અને IPL જેવી મોટી લીગનો બહિષ્કાર કરવો એ બાંગ્લાદેશી ખેલાડીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી શકે છે. જો બાંગ્લાદેશ પોતાના નિર્ણય પર અડગ રહેશે, તો માત્ર ICC ના દંડનો જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં એકલવાયા પડી જવાનો પણ ભય છે. હવે જોવાનું એ રહેશે કે ફેબ્રુઆરી 2026 માં યોજાનારા આ મહાકુંભ માટે બાંગ્લાદેશ ટીમ ભારતની ધરતી પર પગ મૂકે છે કે પછી આ વિવાદ ક્રિકેટના ઈતિહાસમાં એક કાળો અધ્યાય બનીને રહી જાય છે.

(5:49 PM IST)