<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગ્રેસ હેરિસનો 'ગ્રેસફુલ' પાવર: બેંગલુરુના વાવાઝોડામાં યુપી વોરિયર્સનો રકાસ, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર

સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસની વિસ્ફોટક બેટિંગ સામે યુપીના બોલરો લાચાર, માત્ર 12 ઓવરમાં જ મેચ ખતમ

બેંગલુરુ | તા.13 : મહિલા પ્રીમિયર લીગ (WPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. ગ્રેસ હેરિસની ગર્જના અને કેપ્ટન સ્મૃતિ મંધાનાની ક્લાસિક બેટિંગના જોરે RCB એ યુપી વોરિયર્સ (UPW) ને 9 વિકેટે કચડી નાખીને પોઈન્ટ ટેબલમાં શિખર સર કર્યું છે. હેરિસના તોફાની 85 રનની મદદથી બેંગલુરુએ આ લક્ષ્યાંક રમત રમત હોય તેમ માત્ર 12.1 ઓવરના ટૂંકા ગાળામાં જ હાંસલ કરી લીધો હતો.
શરૂઆતી આંચકા બાદ યુપીનો લડાયક સ્કોર મેચની શરૂઆતમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રયોગાત્મક ઓપનિંગ જોડી નિષ્ફળ રહી અને પાવરપ્લેમાં જ ટીમે મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. નાદિન ડી ક્લાર્કની ધારદાર બોલિંગ સામે યુપીનો ટોપ ઓર્ડર પત્તાની માફક વિખેરાઈ ગયો હતો અને ટીમ એક સમયે 56 રનમાં 5 વિકેટ ગુમાવી સંકટમાં હતી. જોકે, ડિઆન્ડ્રા ડોટિન (40) અને દીપ્તિ શર્મા (45*) એ છઠ્ઠી વિકેટ માટે 93 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને 143 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ગ્રેસ હેરિસનું મેદાનમાં 'સંહારક'  ફોર્મ: 144 રનનો પીછો કરવા ઉતરેલી RCB ની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ખાસ કરીને ગ્રેસ હેરિસ આજે અલગ જ મૂડમાં જણાતી હતી. તેણે મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી. હેરિસે ખાસ કરીને ડિઆન્ડ્રા ડોટિનની એક જ ઓવરમાં 32 રન ઝૂડી કાઢીને WPL ના ઇતિહાસનો સૌથી મોંઘી ઓવર બનાવી દીધી હતી. હેરિસે માત્ર 69 બોલમાં સ્મૃતિ મંધાના સાથે 137 રનની ભાગીદારી કરી, જેમાં તેની એકલીના જ 85 રન હતા.
સ્મૃતિ મંધાનાની કેપ્ટન ઈનિંગ બીજી તરફ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પણ શાનદાર સાથ આપતા અણનમ 47 રન ફટકાર્યા હતા. આ જોડીએ માત્ર 8 ઓવરમાં જ ટીમનો સ્કોર 100 ને પાર પહોંચાડી દીધો હતો. હેરિસ આઉટ થઈ ત્યારે જીત હાથવેંતમાં હતી, જે બાદ રિચા ઘોષે જરૂરી રન પૂરા કરી ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો. આ જીત સાથે જ RCB હવે ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે.

(4:54 PM IST)