<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

WPL માં નંદિની શર્માનો હંગામો: ગુજરાત જાયન્ટ્સ સામે હેટ્રિક ઝડપી રચ્યો ઇતિહાસ, દીપ્તિ શર્માના શાનદાર રેકોર્ડની કરી બરાબરી

દિલ્હી કેપિટલ્સની ૨૪ વર્ષીય બોલરે અંતિમ ઓવરમાં મચાવી તબાહી: એક જ ઓવરમાં લીધી ૪ વિકેટ, હેટ્રિક લેનારી બીજી ભારતીય અને વિશ્વની ચોથી બોલર બની

નવી મુંબઈ : મહિલા પ્રીમિયર લીગ (WPL) ૨૦૨૬માં રવિવારે રમાયેલી મેચમાં ક્રિકેટ પ્રેમીઓને એક અવિશ્વસનીય સ્પેલ જોવા મળ્યો. નવી મુંબઈના મેદાન પર દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ સામસામે હતા. જોકે દિલ્હી આ મેચ હારી ગયું, પરંતુ દિલ્હીની યુવા ઝડપી બોલર નંદિની શર્માએ પોતાની જાદુઈ બોલિંગથી આખી મેચની લાઈમલાઈટ ચોરી લીધી હતી. નંદિનીએ માત્ર હેટ્રિક જ નહીં, પરંતુ મેચમાં કુલ ૫ વિકેટ ઝડપીને ગુજરાતના બેટિંગ લાઇનઅપના છોતરાં ઉડાવી દીધા હતા.

અંતિમ ઓવરનું રોમાંચક ડ્રામા

ગુજરાત જાયન્ટ્સની ઇનિંગની છેલ્લી ઓવર ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. નંદિનીએ આ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે પહેલા કનિકા આહુજાને સ્ટમ્પ આઉટ કરાવી, ત્યારબાદ રાજેશ્વરી ગાયકવાડને ક્લીન બોલ્ડ કરી અને છેલ્લા બોલ પર રેણુકા ઠાકુરને આઉટ કરીને પોતાની યાદગાર હેટ્રિક પૂર્ણ કરી હતી. આ પહેલા તેણે ૯૫ રને રમી રહેલી સોફી ડિવાઈનને આઉટ કરીને ગુજરાતને મોટો ઝટકો આપ્યો હતો. નંદિનીએ તેના ૪ ઓવરના સ્પેલમાં ૩૩ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.

રેકોર્ડ બુકમાં નંદિનીનું નામ

આ શાનદાર પ્રદર્શન સાથે ચંદીગઢની નંદિની શર્મા WPL ના ઇતિહાસમાં હેટ્રિક લેનારી બીજી ભારતીય બોલર બની ગઈ છે. આ પહેલા માત્ર દીપ્તિ શર્માએ જ આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડની ઇસી વોંગ અને ઓસ્ટ્રેલિયાની ગ્રેસ હેરિસ પણ આ યાદીમાં સામેલ છે. ૨૦ લાખની બેઝ પ્રાઈઝ પર દિલ્હી કેપિટલ્સમાં સામેલ થયેલી આ ખેલાડીએ સાબિત કરી દીધું કે તેનામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેલેન્ટ છે.

ટીમ ઇન્ડિયાના દરવાજા ખટખટાવ્યા

માત્ર ૨૪ વર્ષની ઉંમરે આવું પ્રદર્શન કરનાર નંદિની શર્મા માટે હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના દરવાજા ખૂલી શકે તેમ છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો તે આવું જ સાતત્યપૂર્ણ પ્રદર્શન જાળવી રાખશે, તો તે ટૂંક સમયમાં બ્લુ જર્સીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.

(6:45 PM IST)