<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

પાકિસ્તાન ક્રિકેટની વૈશ્વિક સ્તરે ફજેતી: ધીમી બેટિંગને કારણે મોહમ્મદ રિઝવાનને મેદાનમાંથી ‘હાંકી કઢાયો’, BBL ના ઇતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પ્રથમ વિદેશી ખેલાડી

“ભાઈ, તારાથી નહીં થાય, તું ઘરે જા”: ઓસ્ટ્રેલિયન લીગમાં રિઝવાનનો કંગાળ સ્ટ્રાઈક રેટ જોઈ કેપ્ટને અધવચ્ચેથી પાછો બોલાવી લીધો, સોશિયલ મીડિયા પર ફેન્સે લીધી જોરદાર ચપટી

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયામાં રમાતી પ્રખ્યાત 'બિગ બેશ લીગ' (BBL) માં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાન માટે એક અત્યંત શરમજનક ક્ષણ સામે આવી છે. મેલબોર્ન રેનેગેડ્સ અને સિડની થંડર વચ્ચેના મુકાબલામાં, રિઝવાનની કાચબા ગતિએ ચાલતી બેટિંગથી કંટાળીને તેની જ ટીમના કેપ્ટને તેને અધવચ્ચેથી પેવેલિયન પરત બોલાવી લીધો હતો. આ ઘટના બાદ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં નિરાશા છે, જ્યારે નેટીઝન્સ રિઝવાનને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
શું બની ઘટના?
મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમતા રિઝવાને ૨૩ બોલમાં માત્ર ૨૬ રન બનાવ્યા હતા. જ્યારે મેચની છેલ્લી બે ઓવરો બાકી હતી, ત્યારે ટીમને ઝડપી રનની જરૂર હતી. રિઝવાનનો સ્ટ્રાઈક રેટ અત્યંત ઓછો હોવાથી કેપ્ટન વિલ સધરલેન્ડે એક આકરો અને બોલ્ડ નિર્ણય લીધો. તેમણે રિઝવાનને 'રિટાયર્ડ આઉટ' જાહેર કરી મેદાનની બહાર બોલાવી લીધો અને પોતે બેટિંગ કરવા મેદાનમાં ઉતરી ગયા. ક્રિકેટમાં જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન હોય છતાં તેને પાછો બોલાવાય, ત્યારે તેને ટેકનિકલી 'આઉટ' માનવામાં આવે છે.
રેકોર્ડબુકમાં શરમજનક સ્થાન
આ નિર્ણય સાથે જ મોહમ્મદ રિઝવાન બિગ બેશ લીગના ઈતિહાસમાં 'રિટાયર્ડ આઉટ' થનાર પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનનો આ સ્ટાર ખેલાડી જે રીતે નીચું માથું રાખીને મેદાનની બહાર જતો દેખાયો, તે દ્રશ્ય તેના કદના ખેલાડી માટે ખૂબ જ અપમાનજનક માનવામાં આવી રહ્યું છે. રેનેગેડ્સે ૨૦ ઓવરમાં ૧૭૦ રન બનાવ્યા હતા, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે જો રિઝવાનને વહેલો આઉટ કરાયો હોત તો સ્કોર ૨૦૦ને પાર કરી શક્યો હોત.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો મારો
રિઝવાન માટે આ આખી સીઝન જ ભૂલી જવા જેવી રહી છે. તેણે ૮ મેચમાં માત્ર ૨૦ની એવરેજથી ૧૬૭ રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ માત્ર ૧૦૧.૮૨ છે, જે આખી લીગમાં સૌથી ઓછો છે. ટ્વિટર (X) પર લોકો લખી રહ્યા છે કે, "પાકિસ્તાની ખેલાડીઓ માટે ટી-૨૦ હવે ટેસ્ટ મેચ જેવી બની ગઈ છે." કેટલાક યુઝર્સે તેને 'વૈશ્વિક શરમ' ગણાવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પણ નિશાન સાધ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિક ટી-૨૦ ક્રિકેટમાં માત્ર મેદાન પર ટકી રહેવું પૂરતું નથી, પરંતુ રન બનાવવાની ઝડપ સૌથી વધુ મહત્વની છે.

(6:19 PM IST)