તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
ટીમ ઈન્ડિયા પર ઈજાનું ગ્રહણ: ઋષભ પંત ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર, આ ધાકડ 'રન મશીન'ની થઈ એન્ટ્રી
વડોદરામાં પ્રેક્ટિસ દરમિયાન પંતને 'સાઈડ સ્ટ્રેન' થતા બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય: સંજુ સેમસન અને કિશનને બદલે ડોમેસ્ટિક ક્રિકેટના સ્ટાર ધ્રુવ જુરેલ પર પસંદગીનો કળશ ઢોળાયો, વિજય હજારે ટ્રોફીમાં 74ની એવરેજથી રન ફટકારી મચાવ્યો હતો હાહાકાર

મુંબઈ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી શરૂ થતી ત્રણ મેચની વન-ડે શ્રેણીના પ્રારંભ પૂર્વે જ ટીમ ઈન્ડિયાના ખેમામાં ચિંતાના વાદળો છવાયા છે. ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સ્નાયુની ગંભીર ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર ફેંકાઈ ગયો છે. શનિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ દરમિયાન પંતને પેટના નીચેના ભાગમાં અચાનક અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. મેડિકલ તપાસ બાદ ખબર પડી કે તેને 'સાઈડ સ્ટ્રેન'ની સમસ્યા છે, જેના કારણે ડોક્ટરોએ તેને લાંબા આરામની સલાહ આપી છે. પંત જેવો મેચ વિનર ખેલાડી બહાર થતા કેપ્ટન શુભમન ગિલ અને કોચ માટે પ્લેઈંગ ઈલેવન સેટ કરવી હવે એક પડકાર બની ગઈ છે.
પંતની ગેરહાજરીમાં ફેન્સ એવી અપેક્ષા રાખતા હતા કે સંજુ સેમસન અથવા ઈશાન કિશનને તક મળશે, પરંતુ પસંદગી સમિતિએ બધાને ચોંકાવી દેતા યુવા ખેલાડી ધ્રુવ જુરેલ પર ભરોસો મૂક્યો છે. ધ્રુવ જુરેલ હાલમાં રન મશીન સાબિત થઈ રહ્યો છે. લિસ્ટ A ક્રિકેટમાં તેના આંકડા કોઈ પણ દિગ્ગજને ઈર્ષ્યા પમાડે તેવા છે. તેણે માત્ર 17 મેચમાં 74.70 ની શાનદાર સરેરાશથી 747 રન બનાવ્યા છે. હાલમાં જ પૂરી થયેલી વિજય હજારે ટ્રોફીમાં જુરેલે 558 રન ખડકીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. તેની અણનમ 160 રનની ઇનિંગ એ વાતનો પુરાવો છે કે તે મધ્યક્રમમાં એન્કરની ભૂમિકા ભજવવાની સાથે જરૂર પડ્યે આક્રમક બેટિંગ પણ કરી શકે છે.
બીસીસીઆઈએ રવિવારે સવારે સત્તાવાર યાદી જાહેર કરીને પંતના રિપ્લેસમેન્ટ તરીકે જુરેલના નામની પુષ્ટિ કરી હતી. ભારતીય ટીમમાં અત્યારે કેએલ રાહુલ વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી છે, પરંતુ બેક-અપ વિકેટકીપર અને ફિનિશર તરીકે ધ્રુવ જુરેલ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. શ્રેણીની પ્રથમ મેચ વડોદરામાં રમાઈ રહી છે અને પંતની ગેરહાજરીમાં મધ્યક્રમમાં જે ખાલીપો સર્જાયો છે, તેને ભરવા માટે પસંદગીકારોએ 'યુવા લોહી' પર દાવ ખેલ્યો છે. જુરેલની આ એન્ટ્રીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સખત મહેનત કરતા ખેલાડીઓ માટે નવી આશા જન્માવી છે.
ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે પંત વિના મેદાને ઉતરવું ટીમ ઈન્ડિયા માટે મનોવૈજ્ઞાનિક રીતે થોડું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓની હાજરીથી ટીમ હજુ પણ સંતુલિત દેખાય છે. શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ નવો ઈતિહાસ રચવા તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે શું ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક મળે છે કે કેમ અને જો મળે છે તો શું તે પોતાની વિસ્ફોટક બેટિંગથી પંતની ખોટ પૂરી કરી શકશે? ક્રિકેટ ચાહકો હવે આતુરતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
