તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
WPL 2026: હરમનપ્રીત અને બ્રન્ટના તોફાનમાં દિલ્હી કેપિટલ્સ પસ્ત! મુંબઈએ 50 રને મેળવી ભવ્ય જીત, નવી મુંબઈમાં જોવા મળી ચોગ્ગા-છગ્ગાની રમઝટ
મુંબઈ ઈન્ડિયન્સે 195 રનનો વિશાળ સ્કોર ખડકીને દિલ્હીને ઘૂંટણિયે પાડ્યું; કેપ્ટન કૌરની અણનમ 74 રનની વિસ્ફોટક ઇનિંગ, કેરી અને કર્ટે બોલિંગમાં મચાવ્યો કહેર

નવી મુંબઈ : મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માં શનિવારની રાત્રે મુંબઈ ઈન્ડિયન્સની પલટને મેદાન પર એવું પરાક્રમ કર્યું કે દિલ્હી કેપિટલ્સ જોતી જ રહી ગઈ. નવી મુંબઈના સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 50 રનના મોટા અંતરથી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ધમાકેદાર રીતે ખોલ્યું છે. અગાઉ બેંગલુરુ સામે મળેલી હારનો બદલો મુંબઈએ આજે દિલ્હી પર કાઢ્યો હતો.
હરમનપ્રીત અને બ્રન્ટનું બેટિંગમાં પરાક્રમ:
દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી, પણ મુંબઈની બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો. શરૂઆતમાં અમેલિયા કેર શૂન્ય રને આઉટ થઈ હોવા છતાં, નેટ સાયવર બ્રન્ટ (70 રન, 46 બોલ) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (અણનમ 74 રન, 39 બોલ) એ મેદાનના ચારેય ખૂણે ફટકાબાજી કરી હતી. બંનેએ અડધી સદી ફટકારીને મુંબઈનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 195 રન સુધી પહોંચાડી દીધો હતો. હરમનપ્રીતની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.
દિલ્હીના બેટિંગ લાઇન-અપનું ધોવાણ
196 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સાવ કંગાળ રહી હતી. શેફાલી વર્મા (8) અને લિઝેલ લી (10) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ પણ માત્ર 1 રન બનાવી શકી હતી. ચિનેલ હેનરીએ 33 બોલમાં 56 રનની લડાયક ઇનિંગ રમીને આશા જગાડી હતી, પરંતુ મુંબઈની શિસ્તબદ્ધ બોલિંગ સામે દિલ્હીની આખી ટીમ 19 ઓવરમાં 145 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈની બોલિંગનો જાદુ
મુંબઈ માટે નિકોલા કેરી અને કર્ટે 3-3 વિકેટ લઈને દિલ્હીની કમર તોડી નાખી હતી. જ્યારે શબનીમ ઈસ્માઈલે મહત્વની સફળતા અપાવી હતી. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે, જ્યારે દિલ્હી માટે હવે આગળની સફર પડકારજનક બની છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
