<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

વડોદરા વન-ડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો:સ્ટાર ખેલાડી પંત ઈજાગ્રસ્ત થયો

વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત વડોદરામાં પ્રથમ ODIમાં રમે તેવી શક્યતા ઓછી

ભારત-ન્યૂઝીલેન્ડ ODI શ્રેણી રવિવાર 11 જાન્યુઆરીથી શરૂ થવાની છે. જોકે શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. સ્ટાર ખેલાડી ઋષભ પંત વડોદરામાં પ્રથમ ODIમાં રમે તેવી શક્યતા ઓછી છે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત પ્રથમ વન-ડે અગાઉ ઈજાગ્રસ્ત થયો હતો.

પંત વડોદરા પહોંચ્યો હતો જ્યાં તેણે 2025-26 વિજય હજારે ટ્રોફીની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં દિલ્હી માટે રમ્યો હતો.

મેચ માટે પોતાને સંપૂર્ણપણે તૈયાર કરવા માટે પંતે આરામ કરવાને બદલે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું હતું. તે પ્રેક્ટિસ માટે BCA સ્ટેડિયમના ગ્રાઉન્ડ B પર આખી ટીમ સાથે જોડાયો હતો. અહેવાલો પ્રમાણે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ થ્રોડાઉન દરમિયાન પંતને કમરની ઉપર વાગ્યો હતો.

ઈજા પછી પંત પીડાથી બૂમો પાડતો હતો અને તાત્કાલિક તબીબી ટીમે તેની સારવાર કરી હતી. સપોર્ટ સ્ટાફ અને અન્ય ખેલાડીઓ હાજર રહ્યા અને પંતની સારવાર જોઈ રહ્યા હતા. જોકે પંત પ્રેક્ટિસ ચાલુ રાખી શક્યો ન હતો. તે મેડિકલ ટીમના બે સભ્યો સાથે પ્રેક્ટિસ સત્ર અધવચ્ચે જ છોડી ગયો હતો.

થોડી વાર પછી ભારતના ODI કેપ્ટન શુભમન ગિલ પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર સાથે લાંબી વાતચીત કરતા જોવા મળ્યા. વાતચીતનો વિષય સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ઋષભ પંતની ફિટનેસ પર ચર્ચા થઈ શકે છે.

પંત અને ગિલ ઉપરાંત શ્રેયસ ઐયર, રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા પણ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં હાજર હતા. રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બેટિંગ ટિપ્સ પણ આપી અને તેને મદદ કરવા માટે નેટની બહાર ઉભા રહ્યા.

(11:48 PM IST)