<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મહિલા શક્તિનો મહાસંગ્રામ: આજથી WPL-4 નો ધમાકેદાર પ્રારંભ, મુંબઈ ઇન્ડિયન્સ અને RCB વચ્ચે જામશે પ્રથમ જંગ

ગુજરાત માટે ગર્વની વાત: વડોદરાના આંગણે રમાશે ફાઇનલ મુકાબલો; 28 દિવસ, 22 મેચ અને 5 ટીમો વચ્ચે ખેલાશે ટાઈટલ માટેની ખરાખરીની લડાઈ

મુંબઈ, તા. 09 : ક્રિકેટપ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે, કારણ કે આજથી મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7:30 વાગ્યે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 5 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.
ગુજરાતમાં જામશે ફાઇનલનો રોમાંચ
આ વખતની સીઝન ગુજરાત માટે ખાસ છે કારણ કે ટુર્નામેન્ટનો ઉત્તરાર્ધ વડોદરામાં યોજાશે. મુંબઈમાં શરૂઆતની 11 મેચો રમાયા બાદ બાકીની તમામ મેચો વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ભવ્ય ફાઇનલ મેચ વડોદરામાં રમાશે, જે સ્થાનિક ક્રિકેટ ચાહકો માટે સુવર્ણ તક છે.
ટીમોના સુકાનીઓમાં ધરખમ ફેરફાર
આ સીઝનમાં પાંચમાંથી ત્રણ ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે. દિલ્હી કેપિટલ્સની કમાન હવે જેમીમા રોડ્રિગ્ઝના હાથમાં છે, જ્યારે યુપી વોરિયર્સનું નેતૃત્વ અનુભવી મેગ લેનિંગ કરશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ સૌથી સફળ ટીમ રહી છે, જેણે અત્યાર સુધીમાં બે વાર ખિતાબ પોતાના નામે કર્યો છે.
રૂપિયાનો વરસાદ અને ઇનામોની વણઝાર
વિજેતા બનનારી ટીમ પર લક્ષ્મીજીની કૃપા વરસશે. ચેમ્પિયન ટીમને ₹6 કરોડ અને રનર-અપ ટીમને ₹3 કરોડની ઈનામી રકમ મળશે. આ ઉપરાંત ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતનાર ખેલાડીઓને ₹5-5 લાખનું ઇનામ આપવામાં આવશે. દરેક મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બનનાર ખેલાડીને ₹1 લાખની પ્રોત્સાહક રકમ મળશે.

(4:59 PM IST)