તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
ઈજાના અંધકારમાંથી બહાર આવી 'રૉયલ' વાપસી: RCB એ રિટેન કરતા ભાવુક થઈ રડી પડી શ્રેયંકા પાટિલ, કહ્યું- "શબ્દો ખૂટી પડે તેવો વિશ્વાસ"
૧૪ મહિનાનો વનવાસ અને જસપ્રીત બુમરાહની એ સલાહ; ઈજાના કારણે વર્લ્ડ કપ ગુમાવનાર શ્રેયંકા હવે ૯ જાન્યુઆરીએ WPL ના મેદાન પર મચાવશે ધૂમ

બેંગલુરુ : રમતગમતની દુનિયામાં ખેલાડી માટે મેદાનથી દૂર રહેવું એ કોઈ સજાથી ઓછું નથી હોતું. ટીમ ઈન્ડિયા અને આરસીબી (RCB) ની સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલ માટે છેલ્લા ૧૪ મહિના આવી જ કંઈક પીડા લઈને આવ્યા હતા. ઈજાના કારણે સતત ક્રિકેટ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ ગુમાવ્યા બાદ, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેના પર અતૂટ વિશ્વાસ મૂકીને તેને રિટેન કરી, ત્યારે શ્રેયંકા પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી. બુધવારે તેણે પોતાની આ સંઘર્ષમય સફરના રહસ્યો ખોલ્યા હતા.
શ્રેયંકાએ જણાવ્યું કે શિન ઇજાને કારણે તે મેદાનથી એટલી દૂર થઈ ગઈ હતી કે તેણે પોતાની જાતને બે-ત્રણ મહિના સુધી એક રૂમમાં કેદ કરી લીધી હતી. "મને લાગ્યું હતું કે હું બે મહિનામાં સાજી થઈ જઈશ, પણ મેદાન પર પરત ફરતા ૧૪ મહિના લાગી ગયા. વર્લ્ડ કપ ગુમાવવાનું ઘણું દુઃખ હતું," તેમ તેણે ભાવુક હૈયે કહ્યું હતું. આ મુશ્કેલ સમયમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથેની મુલાકાતે તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. બુમરાહે તેને સલાહ આપી હતી કે નાની ઉંમરે આવી ઈજાઓ સામે લડવાને બદલે તેને સ્વીકારીને મક્કમતાથી આગળ વધવું જોઈએ.
સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે RCB એ તેને રિલીઝ કરવાને બદલે રિટેન કરી. શ્રેયંકાએ કહ્યું, "જે ખેલાડી એક વર્ષથી રમી નથી, તેના પર ફ્રેન્ચાઇઝી આટલો વિશ્વાસ મૂકે તે જોઈને હું મારા કોચને ફોન કરીને રડી પડી હતી. મને ડર હતો કે કોઈ ટીમ મને લેશે કે નહીં, પણ RCB એ મને પ્રેમ અને સન્માન આપ્યું." હવે ૯ જાન્યુઆરીએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની WPL ઓપનિંગ મેચમાં શ્રેયંકા ફરી એકવાર તેના એ જ જુના અંદાજમાં બોલ અને બેટથી કમાલ કરવા તૈયાર છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
