News of Wednesday, 7th January 2026
હિમાલયની ગોદમાં ક્રિકેટનો જાદુ: નેપાળમાં ICC T20 વર્લ્ડ કપ ટ્રોફીનું ભવ્ય આગમન, ચાહકોમાં ભારે ઉત્સાહ
બૌધ સ્તૂપ અને દરબાર સ્ક્વેર જેવા ઐતિહાસિક સ્થળોએ ટ્રોફીના અનાવરણથી 'ક્રિકેટ ફિવર' છવાયો; ભારતમાં રમાનાર વર્લ્ડ કપ માટે નેપાળી ટીમ સજ્જ

કાઠમંડુ, તા.૦૭ : નેપાળના રસ્તાઓ અત્યારે ક્રિકેટના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. આગામી મહિને ભારતમાં યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ પૂર્વે 'ટ્રોફી ટૂર' હેઠળ વિશ્વ વિજેતાઓની ટ્રોફી નેપાળ પહોંચી છે. કાઠમંડુના વિશ્વ પ્રસિદ્ધ યુનેસ્કો હેરિટેજ સાઇટ એવા બૌધ સ્તૂપ ખાતે જ્યારે આ સોનેરી ટ્રોફી પ્રદર્શિત કરવામાં આવી, ત્યારે હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો તેને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. આજે આ ટ્રોફીને બસંતપુર દરબાર સ્ક્વેર ખાતે જાહેર જનતા માટે મુકવામાં આવશે, જેણે સમગ્ર દેશમાં એક ઉત્સવ જેવો માહોલ સર્જ્યો છે.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શીતલ નિવાસ ખાતે ટ્રોફીનું સત્તાવાર અનાવરણ કરતા આ ક્ષણને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે ICCનો આભાર માનતા કહ્યું કે, "વર્લ્ડ કપ ટ્રોફીનું નેપાળમાં આગમન એ આપણા ખેલાડીઓ અને ચાહકો માટે નવી ઉર્જા સમાન છે." મંગળવારે સુંદર શહેર પોખરામાં પણ ટ્રોફીના પ્રદર્શન દરમિયાન ચાહકોનો અદભૂત પ્રતિસાદ જોવા મળ્યો હતો. નેપાળમાં ક્રિકેટ હવે માત્ર એક રમત નહીં પણ એક લાગણી બની ગઈ છે.
નોંધનીય છે કે ભારતમાં યોજાનાર આ મેગા ઇવેન્ટમાં નેપાળની ટીમ ૨૩ વર્ષીય પ્રતિભાશાળી ઓલરાઉન્ડર રોહિત પૌડેલના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ૧૫ સભ્યોની આ ટીમમાં રોહિત સૌથી સંયમિત અને વ્યૂહાત્મક ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. નેપાળી ક્રિકેટના તાજેતરના વિકાસમાં રોહિતનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. હવે જ્યારે ટ્રોફી પોતે નેપાળની ધરતી પર છે, ત્યારે ચાહકોને આશા છે કે તેમની ટીમ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકશે અને ભારતની ધરતી પર ઈતિહાસ રચશે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
