તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
MCA ચૂંટણી પર હાઈકોર્ટનો 'સ્ટે-ઓર્ડર': ૪૦૦ નવા સભ્યોની એન્ટ્રીમાં 'નેપોટિઝમ' નો ગંભીર આરોપ, રોહિત પવારને ઝટકો
ધારાસભ્ય રોહિત પવારની પત્ની અને સુપ્રિયા સુલેની પુત્રી સહિતના સગાઓને રાતોરાત સભ્ય બનાવતા કોર્ટ નારાજ; કેદાર જાધવની અરજી બાદ ચૂંટણી અટકી

મુંબઈ, તા.૦૭ : મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) ની સર્વોચ્ચ પરિષદની ચૂંટણીમાં મંગળવારે મોટો ડ્રામા જોવા મળ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે આ ચૂંટણી પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવી દીધી છે. કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, વર્તમાન પ્રમુખ અને NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારના શાસનકાળમાં છેલ્લી ઘડીએ ૪૦૦ નવા સભ્યોને કઈ રીતે સામેલ કરવામાં આવ્યા? મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે અવલોકન કર્યું કે, જે રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે જોતા એવું લાગે છે કે બધું જ 'ખૂબ જ ઉતાવળમાં' કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કેદાર જાધવ સહિત અન્ય લોકોએ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલી નવી મતદાર યાદીમાં રોહિત પવારની પત્ની કુંતી પવાર, તેમના સસરા સતીશ મગર અને NCP (SP) ના સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સહિત અનેક રાજકીય સગાઓને સભ્ય બનાવી દેવામાં આવ્યા છે. કેદાર જાધવે આરોપ લગાવ્યો કે આમાંના ઘણા લોકોનો ક્રિકેટ સાથે કોઈ દૂર-દૂર સુધીનો સબંધ નથી અને આ માત્ર MCA ને 'પ્રાઈવેટ લિમિટેડ કંપની' ની જેમ ચલાવવા માટેનું ષડયંત્ર છે.
હાઈકોર્ટે નોંધ્યું છે કે નવા સભ્યોના ઉમેરાથી જૂના સભ્યોને વાંધો ઉઠાવવાની તક પણ આપવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત લોઢા સમિતિના ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાની પ્રથમદર્શી છાપ પડતા કોર્ટે હાલ પૂરતી ચૂંટણી અટકાવી દીધી છે. હવે આ કેસની વધુ સુનાવણી ૪ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન MCA ના સત્તાધીશોએ કોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે. આ આદેશથી મહારાષ્ટ્રના ક્રિકેટ અને રાજકારણ બંનેમાં ગરમાવો આવી ગયો છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
