તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
પંજાબ કિંગ્સના 'બેન્ચ ગરમ' કરનાર ખેલાડીનું મેદાન પર તોફાન: 84 બોલમાં 162 રન અને 14 છગ્ગા, વિષ્ણુ વિનોદે મચાવ્યો હાહાકાર!
વિજય હજારે ટ્રોફીમાં કેરળના બેટ્સમેને પુડુચેરીના બોલરોને બરાબરના ફટકાર્યા; IPL 2026 પહેલા પ્લેઇંગ-11 માટે મજબૂત દાવો રજૂ કર્યો

નવી દિલ્હી : IPL 2026 ની સીઝન શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓએ મેદાન પર રનનો પહાડ ચણવાનું શરૂ કરી દીધું છે. પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ (PBKS) માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. જે ખેલાડીને ગત સીઝનમાં આખી વખત બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો, તે વિષ્ણુ વિનોદે વિજય હજારે ટ્રોફીમાં રનના એવા ફટાકડા ફોડ્યા છે કે આખું ક્રિકેટ જગત દંગ રહી ગયું છે.
માત્ર 84 બોલમાં 162 રન: બોલરોની કરી ધુલાઈ
કેરળ તરફથી રમતા વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદે પુડુચેરી સામે રમાયેલી મેચમાં વિસ્ફોટક બેટિંગનો નમૂનો પેશ કર્યો હતો. 248 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેરળની ટીમ જ્યારે મુશ્કેલીમાં હતી, ત્યારે વિષ્ણુએ માત્ર 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે આખી ઇનિંગ દરમિયાન 190 થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા અણનમ 162 રન બનાવ્યા, જેમાં 14 ગગનચુંબી છગ્ગા અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
છગ્ગાની સદી ફટકારી ઇતિહાસ રચ્યો
આ શાનદાર ઇનિંગ દરમિયાન વિષ્ણુ વિનોદે વિજય હજારે ટ્રોફીના ઇતિહાસમાં પોતાના 100 છગ્ગા પણ પૂરા કર્યા છે. તે હવે મનીષ પાંડે અને રુતુરાજ ગાયકવાડ જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. એટલું જ નહીં, તેણે રુતુરાજ ગાયકવાડના 105 છગ્ગાના રેકોર્ડને તોડીને 106 છગ્ગા સાથે યાદીમાં બીજું સ્થાન મેળવી લીધું છે. હવે તે મનીષ પાંડેના 108 છગ્ગાના રેકોર્ડને તોડવાની પણ નજીક છે.
પંજાબ કિંગ્સ માટે હવે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે?
પંજાબ કિંગ્સે IPL 2025 ની હરાજીમાં વિષ્ણુ વિનોદને ₹95 લાખમાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. જોકે, ફ્રેન્ચાઇઝીએ તેના પર ભરોસો રાખીને તેને 2026 માટે રિટેન કર્યો છે. વિષ્ણુના આ ફોર્મને જોઈને લાગે છે કે આગામી સીઝનમાં તે પંજાબના મિડલ ઓર્ડરમાં ધમાકેદાર પ્રદર્શન કરી શકે છે. તે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ અને RCB તરફથી પણ રમી ચૂક્યો છે.
બાબર અપરાજિત સાથેની અતૂટ ભાગીદારી
મેચની વાત કરીએ તો, કેરળની ટીમે 30 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિષ્ણુ વિનોદ અને બાબર અપરાજિત (63 રન) વચ્ચે થયેલી 232 રનની ભાગીદારીએ માત્ર 29 ઓવરમાં જ કેરળને ભવ્ય વિજય અપાવ્યો હતો. વિષ્ણુના આ પાવર-હિટિંગ પ્રદર્શને હવે IPL ટીમોના ટેન્શનમાં વધારો કરી દીધો છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
