તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
ભારતની 11 વર્ષીય દીકરી અતિકા મીરે રચ્યો ઈતિહાસ: અબુ ધાબીના રેસિંગ ટ્રેક પર વિશ્વના દિગ્ગજોને હંફાવી ટોપ-5 માં મેળવ્યું સ્થાન
પુરુષ પ્રભુત્વ ધરાવતી આંતરરાષ્ટ્રીય કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવનાર અતિકા પ્રથમ ભારતીય અને પ્રથમ મહિલા રેસર બની

અબુ ધાબી (UAE), તા. 06 : ભારતની માત્ર 11 વર્ષની રેસિંગ સનસનાટી અતિકા મીરે વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કર્યું છે. અબુ ધાબીના વિશ્વ વિખ્યાત ફોર્મ્યુલા 1 ટ્રેક 'યાસ મરિના સર્કિટ' ખાતે રમાયેલી IAME UAE કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં અતિકાએ પોતાની સ્પીડ અને કૌશલ્યથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્પર્ધાના સાતમા રાઉન્ડમાં તેણે ટોપ-ફાઈવમાં સ્થાન મેળવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
35 ડ્રાઇવરો વચ્ચે કાંટાની ટક્કર
સામાન્ય રીતે પુરુષોના પ્રભુત્વવાળા ગણાતા આ સ્પોર્ટ્સમાં અતિકાએ સાબિત કરી દીધું કે પ્રતિભાને કોઈ સીમાડા નડતા નથી. ગ્રીડ પર ઉતરેલા 35 કુશળ ડ્રાઇવરો વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં તે પાંચમા ક્રમે રહી હતી. આ સાથે જ તે IAME UAE ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ટોપ-ફાઈવમાં સ્થાન મેળવનારી સૌપ્રથમ ભારતીય અને પ્રથમ મહિલા ડ્રાઈવર બની ગઈ છે. નોંધનીય છે કે તે પોડિયમ ફિનિશ (ટોપ-3) થી માત્ર સેકન્ડના ચાર-દસમા ભાગ (0.4 સેકન્ડ) જેટલી જ પાછળ રહી હતી.
રેસિંગ જગતની ઉભરતી પ્રતિભા
IAME UAE કાર્ટિંગ ચેમ્પિયનશિપ એ સંયુક્ત આરબ અમીરાતની સૌથી પ્રીમિયર પ્રોફેશનલ કાર્ટ રેસિંગ શ્રેણી છે. આ સ્પર્ધામાં હાઈ-પર્ફોર્મન્સ ધરાવતા IAME X30 એન્જિનનો ઉપયોગ થાય છે, જ્યાં અતિકા જેવી યુવા પ્રતિભાઓ પોતાની ક્ષમતા સાબિત કરે છે. 11 વર્ષની નાની ઉંમરે આટલી મોટી વૈશ્વિક સિદ્ધિ મેળવ્યા બાદ હવે અતિકાને ફોર્મ્યુલા રેસિંગના ભવિષ્યના સ્ટાર તરીકે જોવામાં આવી રહી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
