તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
સિડની ટેસ્ટ ખ્વાજાની કારકિર્દીની અંતિમ મેચ; સ્ટીવ સ્મિથે ખોલ્યું રહસ્ય - 'તેને બહાર કરી દેવાતા તે ટીમથી નારાજ હતો', પાકિસ્તાની મૂળના બેટ્સમેનના સવાલોથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખળભળાટ
ક્રિકેટ જગતમાં સનસનાટી: ઉસ્માન ખ્વાજાએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા! વિદાય વેળાએ છલકાયું દર્દ - 'હું અશ્વેત હોવાથી મારી સાથે હંમેશા અલગ વ્યવહાર થયો'

સિડની : એશિઝ શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 4 જાન્યુઆરીથી સિડનીમાં રમાનારી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ તેના જીવનની 88મી અને છેલ્લી મેચ બની રહેશે. જોકે, નિવૃત્તિ જાહેર કરતા સમયે ખ્વાજાની આંખોમાં આંસુ અને હૃદયમાં વર્ષોનું દર્દ જોવા મળ્યું હતું.
: પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થયેલા 39 વર્ષીય ખ્વાજાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "મને હંમેશા ટીમમાં થોડો અલગ અનુભવ કરાવવામાં આવ્યો છે. હું એક અશ્વેત ક્રિકેટર છું અને તે જ કારણે મારી સાથે જે રીતે વર્તન થયું, જે રીતે ઘટનાઓ બની, તેણે મને અંદરથી તોડી નાખ્યો છે." પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જન્મેલા ખ્વાજાએ ઈશારો કર્યો હતો કે ટીમમાં તેમની સાથે પક્ષપાત થતો હતો અને તે માટે તેણે અનેક કડવા અનુભવોનો સામનો કરવો પડ્યો છે.
ખ્વાજાના આ નિવેદનો બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે મૌન તોડ્યું હતું. સ્મિથે ખ્વાજાની પ્રશંસા કરતા કહ્યું કે, તેના જેવો શાનદાર 'પુલ શોટ' કોઈ રમી શકતું નથી. જોકે, સ્મિથે એમ પણ ઉમેર્યું કે, "ખ્વાજા અમને એટલે નફરત કરે છે કારણ કે તેને ઘણી વાર ટીમની બહાર કરવામાં આવ્યો હતો. તેને બહાર કરી દેવાનો નિર્ણય તેને ક્યારેય ગમ્યો ન હતો, પરંતુ તે જ જીદને કારણે તેણે ફરીથી ટીમમાં સ્થાન મેળવવાનો માર્ગ શોધી કાઢ્યો હતો."
ઉસ્માન ખ્વાજાની ટેસ્ટ કારકિર્દી આંકડાકીય રીતે અત્યંત પ્રભાવશાળી રહી છે:
• કુલ મેચ: 87 (સિડનીમાં 88મી રમાશે)
• કુલ રન: 6,206 રન
• એવરેજ: 43.39
• સદી/અડધી સદી: 16 સદી અને 28 ફિફ્ટી
ખ્વાજાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક એશિયન મૂળના ખેલાડી તરીકે જે મુકામ હાંસલ કર્યો તે ઐતિહાસિક છે, પરંતુ તેની વિદાય વખતે થયેલા વંશીય ભેદભાવના આક્ષેપોએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
