<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ: મિતાલી રાજનો રેકોર્ડ તોડી બની વિશ્વની સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવનાર મહિલા ક્રિકેટર, શ્રીલંકા સામે ભારતની ધમાકેદાર જીત

ચોથી T20I માં ભારતનો ૩૦ રને વિજય, શ્રેણીમાં ૪-૦ ની અજેય સરસાઈ; શેફાલી અને સ્મૃતિની ૧૬૨ રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી અને રિચા ઘોષની આક્રમક બેટિંગથી ભારતે ખડક્યો ૨૨૧ રનનો હિમાલય જેવો સ્કોર

તિરુવનંતપુરમ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ક્રિકેટ જગતમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. શ્રીલંકા સામે રમાયેલી ચોથી T20I મેચમાં મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આ સાથે જ ભારતે ચોથી મેચમાં શ્રીલંકાને ૩૦ રને હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૪-૦ થી પ્રભુત્વ મેળવી લીધું છે.
મિતાલી રાજને પાછળ છોડી બની નંબર-૧
સ્મૃતિ મંધાનાએ માત્ર ૨૮૧ ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પૂરા કરીને મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે આ સિદ્ધિ ૨૯૧ ઇનિંગ્સમાં મેળવી હતી. મંધાના હવે મિતાલી રાજ, સુઝી બેટ્સ અને ચાર્લોટ એડવર્ડ્સ જેવા દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ૨૮ વર્ષીય મંધાનાએ આ મેચમાં ૪૮ બોલમાં ૮૦ રનની તોફાની ઇનિંગ રમી હતી.
ભારતનો રેકોર્ડ બ્રેક સ્કોર
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૨૨૧ રન બનાવ્યા હતા, જે મહિલા T20I માં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા (૪૬ બોલમાં ૭૯ રન) એ પ્રથમ વિકેટ માટે ૧૬૨ રન જોડ્યા હતા, જે ભારત માટે નવો વિક્રમ છે. અંતિમ ઓવરોમાં રિચા ઘોષે માત્ર ૧૬ બોલમાં ૪૦ રન ફટકારીને શ્રીલંકાના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. રિચાએ ૧૯મી ઓવરમાં બે સિક્સર અને એક ચોગ્ગો ફટકારીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
શ્રીલંકાનો વળતો પ્રહાર છતાં હાર
૨૨૨ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે પણ શાનદાર લડત આપી હતી. કેપ્ટન ચમારી અથાપથુએ ૫૨ રન બનાવી ટીમની આશા જીવંત રાખી હતી. શ્રીલંકાએ ૧૯૧/૬ નો સ્કોર બનાવ્યો, જે તેમનો આંતરરાષ્ટ્રીય T20I માં સર્વોચ્ચ સ્કોર છે, પરંતુ તે જીત માટે પૂરતો નહોતો. ભારત તરફથી અરુંધતી રેડ્ડી અને વૈષ્ણવી શર્માએ ૨-૨ વિકેટ ઝડપીને શ્રીલંકાની રન ગતિ પર બ્રેક લગાવી હતી.
હવે ભારતીય ટીમની નજર અંતિમ મેચ જીતીને શ્રેણીમાં ૫-૦ થી 'ક્લીન સ્વીપ' કરવા પર છે.

(5:53 PM IST)