<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ટીમ ઈન્ડિયાના કોચ પદેથી ગૌતમ ગંભીરની થશે છુટ્ટી? દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ BCCI એક્શનમાં; આ દિગ્ગજ ભારતીય ખેલાડીએ કોચ બનવાની પાડી દીધી 'ના'

ટેસ્ટ ક્રિકેટમાં કથળતા પ્રદર્શનને પગલે ગંભીર પર લટકતી તલવાર - VVS લક્ષ્મણનો સંપર્ક કરાયો પણ તેમણે ઠુકરાવી ઓફર; હવે T20 વર્લ્ડ કપ નક્કી કરશે ગૌતમનું ભાવિ

નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમના કથળતા પ્રદર્શન અને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે થયેલા 'ક્લીન સ્વીપ' બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ ગંભીરના વિકલ્પ તરીકે ભારતીય દિગ્ગજ બેટ્સમેન VVS લક્ષ્મણનો અનૌપચારિક સંપર્ક કર્યો હતો. જોકે, લક્ષ્મણે બેંગલુરુમાં 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ના વડા તરીકે જ ચાલુ રહેવાની ઈચ્છા વ્યક્ત કરીને કોચ બનવાની ઓફર નકારી દીધી છે.
 ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ પણ ચર્ચાનો વિષય બન્યું છે. રાહુલ દ્રવિડના કાર્યકાળમાં ખેલાડીઓ જે સુરક્ષા અનુભવતા હતા, તે હવે જોવા મળતી નથી. ખાસ કરીને શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર રાખવાના ગંભીરના નિર્ણયથી ખેલાડીઓમાં ફફડાટ છે. ખેલાડીઓને લાગે છે કે જો ગિલ જેવા 'પોસ્ટર બોય' ને પડતો મુકાઈ શકે, તો ગમે ત્યારે કોઈનું પણ પત્તું કપાઈ શકે છે.
 ગૌતમ ગંભીરનો BCCI સાથેનો કરાર ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ સુધીનો છે, પરંતુ તેની સમીક્ષા પાંચ અઠવાડિયા પછી શરૂ થનારા T20 વર્લ્ડ કપના પરિણામો પરથી થશે. જો ભારત ફાઇનલમાં પહોંચશે અથવા ખિતાબ જીતશે, તો જ ગંભીરનું પદ સલામત રહેશે. બોર્ડમાં એ વાત પર પણ ગંભીરતાથી ચર્ચા ચાલી રહી છે કે શું લિમિટેડ ઓવર (ODI/T20) અને ટેસ્ટ ક્રિકેટ માટે અલગ-અલગ કોચ રાખવા જોઈએ?
 ભારતે ૨૦૨૬માં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, ત્યારબાદ ૨૦૨૭માં ઓસ્ટ્રેલિયા ભારત આવશે. આ મહત્ત્વની શ્રેણીઓ પહેલા BCCI પ્રયોગો કરવાના મૂડમાં નથી. હાલમાં ગંભીર પાસે ટેસ્ટ ફોર્મેટમાં સુધારો કરવાની છેલ્લી તક છે, કારણ કે લક્ષ્મણની ના બાદ બોર્ડ પાસે અત્યારે અન્ય કોઈ મજબૂત ભારતીય વિકલ્પ ઉપલબ્ધ નથી

(11:58 PM IST)