<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

દીપ્તિ શર્માનો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટના ઈતિહાસમાં પુરુષ કે મહિલા કોઈ ન કરી શક્યું તે દીપ્તિએ કરી બતાવ્યું; ૧૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી!

શ્રીલંકા સામેની મેચમાં રેકોર્ડ્સની હેલી: ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એલિસ પેરીને પછાડી દીપ્તિ બની દુનિયાની ત્રીજી સૌથી સફળ બોલર; ભારતની પનોતી પુત્રીનો ડંકો

તિરુવનંતપુરમ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં દીપ્તિએ પોતાની કાતિલ બોલિંગથી માત્ર વિરોધી ટીમને જ નહીં, પણ વર્ષો જૂના વિશ્વ વિક્રમોને પણ ધ્વસ્ત કરી નાખ્યા છે. દીપ્તિ હવે વિશ્વની એવી એકમાત્ર ખેલાડી બની ગઈ છે જેના નામે T20I માં ૧૦૦૦થી વધુ રન અને ૧૫૦ વિકેટનો બેવડો રેકોર્ડ નોંધાયો છે.
એલિસ પેરીનો રેકોર્ડ તોડ્યો, હવે નજર ઝુલન ગોસ્વામી પર
તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં દીપ્તિએ માત્ર ૧૮ રન આપીને ૩ મહત્વની વિકેટો ઝડપી હતી. આ સાથે જ તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૩૩૩ વિકેટ થઈ ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ખેલાડી એલિસ પેરીને પાછળ છોડી દીધી છે અને હવે તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. હવે તેની આગળ માત્ર ભારતની જ 'ચકદા એક્સપ્રેસ' ઝુલન ગોસ્વામી અને ઇંગ્લેન્ડની કેથરિન બ્રન્ટ છે.
T20 ક્રિકેટમાં ભારતની પ્રથમ ૧૫૦ રત્ની
દીપ્તિ શર્માએ T20 ફોર્મેટમાં ૧૫૦ વિકેટ પૂરી કરીને વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે. તે ભારતની પુરુષ કે મહિલા બંને કેટેગરીમાં ૧૫૦ T20I વિકેટ લેનારી પ્રથમ ભારતીય બોલર બની છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાની મેગન શટની પણ બરાબરી કરી લીધી છે. આંકડાની વાત કરીએ તો દીપ્તિએ T20I માં ૨૩.૪૦ ની સરેરાશથી ૧૧૦૦ રન પણ બનાવ્યા છે, જે તેને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત કરે છે.
ત્રણેય ફોર્મેટમાં દીપ્તિનો દબદબો
દીપ્તિ માત્ર T20 જ નહીં પણ વનડે અને ટેસ્ટમાં પણ એટલી જ ઘાતક સાબિત થઈ રહી છે. વનડે ક્રિકેટમાં ૧૬૨ વિકેટ સાથે તે ઝુલન ગોસ્વામી પછી ભારતની બીજી સૌથી સફળ બોલર છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે માત્ર ૫ મેચમાં ૨૦ વિકેટ ઝડપી છે. ૨૦૨૫નું વર્ષ દીપ્તિ માટે ખરેખર 'ગોલ્ડન યર' સાબિત થઈ રહ્યું છે, જ્યાં તે દરેક મેચમાં કોઈને કોઈ નવો રેકોર્ડ પોતાના નામે કરી રહી છે.

(7:36 PM IST)