તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
ઇંગ્લેન્ડના ખેલાડીઓ દારૂની પાર્ટી કરતા ઝડપાયા
બેનડકેટ દારૂના નશામાં એટલો ધૂત હતો કે હોટલમાં પોતાનો રૂમ પણ ગોતી શકતો ન હતો, ઓલરાઉન્ડર જેકબ બેથલ નાઇટ કલબમાં પાર્ટી કરતો હતો : વિડીયો વાયરલ

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. એક તરફ મેદાન પર ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૧૧ દિવસના રમત બાદ જ એશેઝ સીરિઝ ગુમાવી ચુકી છે. તો બીજી તરફ મેદાનની બહાર ખેલાડીઓની શિસ્તહીનતાએ બોર્ડની ચિંતામાં વધારો કર્યો છે. દારૂની મહેફિલ અને નશામાં ધૂત ખેલાડીઓના વિડિયો સોશ્યિલ મીડીયા પર વાઇરલ થયા બાદ હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તપાસના આદેશ આપ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત એશેઝ સીરીઝમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. શરૂઆતની ત્રણેય મેચમાં હાર સાથે જ ઇંગ્લેન્ડ સીરીઝ હારી ગયું છે. ખેલાડીઓનું વ્યકિતગત પ્રદર્શન કંગાળ રહ્યું છે. જેના કારણે ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મેદાન પર હાર બાદ ખેલાડીઓ નશામાં, બ્રેક દરમિયાન દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે. સોશિયલ મીડીયા પર વાઇરલ થયેલા વિડિયોમાં સ્ટર બેટર બેન ડકેટ દારૂના નશામાં એટલો ધૂત દેખાય છે કે તે પોતાના હોટલના રૂમનો રસ્તો પણ શોધી શકતો નથી. વિડિયોમાં કોઇ વ્યકિત તેને મજાકમાં પૂછતી સંભળાય છે કે, 'શું તારે ટ્રેનિંગ ગ્રાઉન્ડ સુધી જવા માટે ટેકસીની જરૂર છે ?'
બીજી તરફ યુવા ઓલરાઉડર જેકબ બેથેલ પણ વિવાદમાં સપડાયો છે. એક વિડિયોમાં તે 'વેપિંગ' (ઇ-સિગારેટ) કરતો જોવા મળે છે. જયારે અન્ય એક વિડિયોમાં તે નાઇટકલબમાં કોઇ અજાણી વ્યકિત સાથે ડાન્સ કરતો દેખાય છે. ઇંગ્લેન્ડ મેન્સ ટીમના મેનેજિંગ ડાયરેકટર રોબ કી એ આ મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, 'અમને દારૂથી કોઇ પરહેજ નથી, પરંતુ હદથી વધારે નશો કરવો તે ખતરનાક અને અસ્વીકાર્ય છે.' રોબ કી એ પુષ્ટિ કરી છે કે બોર્ડ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જેકબ બેથેલ અને હેરી બ્રુકના આવા વિડિયો સામે આવ્યા હતા. ત્યારે તેમને માત્ર અનૌપચારિક ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે સીરિઝમાં હાર બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. હવે જોવાનું એ રહેશે કે એશેઝમાં હાર અને આ નશાખોરીના વિવાદ બાદ ઇંગ્લેન્ડ બોર્ડ ખેલાડીઓ સામે કેવા પગલા ભરે છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
