<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ટીમ ઈન્ડિયામાંથી શુભમન ગિલની રજા: ૩ પસંદગીકારોની જીદ સામે ગંભીર અને અગરકરનું પણ ન ચાલ્યું! સ્ટાર બેટ્સમેનની હકાલપટ્ટીથી આ દિગ્ગજ ખેલાડી થયો ખુશખુશાલ

T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા 'પ્રિન્સ' ગિલને મોટો આંચકો; પસંદગી સમિતિમાં પડ્યા ફાટા, આર.પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝાના ઈનપુટથી ચાહકોમાં ચર્ચાઓ તેજ - હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવવો પડશે દમ

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટમાં 'ભવિષ્યના સુપરસ્ટાર' ગણાતા શુભમન ગિલ માટે વર્ષ ૨૦૨૫નો અંત આંચકાજનક રહ્યો છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે જાહેર થયેલી ટીમમાં શુભમન ગિલનું નામ ગાયબ જોઈને ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે થોડા સમય પહેલા જ તેને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને હવે સીધો જ ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ પસંદગી સમિતિમાં થયેલું આંતરિક વિભાજન મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો મુજબ, પાંચ સભ્યોની પસંદગી સમિતિમાં ગિલની પસંદગીને લઈને ભારે ખેંચતાણ થઈ હતી. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર ગિલને ટીમમાં રાખવાની તરફેણમાં હતા, પરંતુ બાકીના ત્રણ પસંદગીકારોએ તેના તાજેતરના ફોર્મ અને સ્ટ્રાઈક રેટને જોતા તેની પસંદગીનો સખત વિરોધ કર્યો હતો. નિયમ મુજબ જો બહુમતી સભ્યો કોઈ ખેલાડીના નામ પર સહમત ન હોય, તો તેની પસંદગી રોકી દેવામાં આવે છે. આ વખતે ગિલ સાથે પણ આવું જ કંઈક થયું છે.
ગિલની બાદબાકી બાદ પૂર્વ દિગ્ગજ ઓપનર અને પૂર્વ પસંદગીકાર કે. શ્રીકાંતે ખુશી વ્યક્ત કરતા નવા પસંદગીકારોને અભિનંદન પાઠવ્યા છે. શ્રીકાંતે અગાઉ પણ ગિલને 'ઓવરરેટેડ' બેટ્સમેન ગણાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "નવા પસંદગીકારોએ આખરે યોગ્ય નિર્ણય લીધો છે. ટીમમાં સ્થાન મેળવવા માટે મેદાન પરનું પ્રદર્શન મહત્વનું છે, માત્ર સોશિયલ મીડિયાનો હાઈપ નહીં." સોશિયલ મીડિયા પર ચાહકો પણ આર.પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝાની આકરી પસંદગીની પ્રશંસા કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ હવે ગિલને ફરી શૂન્યથી શરૂઆત કરવી પડશે. તેને હાલમાં પંજાબની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે આગામી 'વિજય હજારે ટ્રોફી'માં રમતો જોવા મળશે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં તેની પસંદગી થઈ શકે છે. જો ગિલ વહેલી તકે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પોતાનું ફોર્મ પાછું નહીં મેળવે, તો તેના માટે વન-ડે ફોર્મેટમાં પણ રસ્તો મુશ્કેલ બની શકે છે. હાલ તો ક્રિકેટના આ 'પ્રિન્સ' માટે અગ્નિપરીક્ષા જેવો સમય શરૂ થયો છે

(8:54 PM IST)