<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

અંડર-19 એશિયા કપ ફાઈનલમાં ભારતની નાલેશીભરી હાર : પાકિસ્તાન બન્યું નવું ચેમ્પિયન

પાકિસ્તાની બેટ્સમેન સમીર મિન્હાસના ૧૭૨ રનના તોફાન સામે ભારતીય બોલરો લાચાર : ૩૪૮ રનના વિશાળ લક્ષ્ય સામે આખી ટીમ માત્ર ૧૩૧ રનમાં ધરાશાયી : કેપ્ટન આયુષ મ્હાત્રેનું ખરાબ ફોર્મ હારનું મુખ્ય કારણ બન્યું

મુંબઈ : અંડર-19 એશિયા કપ ૨૦૨૫ના હાઈવોલ્ટેજ ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમની કારમી હાર થઈ છે. રવિવારે રમાયેલી આ ખિતાબી જંગમાં પાકિસ્તાને ભારતને પછાડીને એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. પાકિસ્તાનના પહાડ જેવા સ્કોર સામે ભારતીય બેટિંગ લાઈન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી.
પાકિસ્તાનનું વિશાળ સ્કોરબોર્ડ અને સમીરનું શાનદાર પ્રદર્શન
ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. પાકિસ્તાની ઓપનર સમીર મિન્હાસે ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર ૧૧૩ બોલમાં ૧૭૨ રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેમાં ૧૭ ચોગ્ગા અને ૯ ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. અહેમદ હુસૈનના ૫૬ રન અને ઉસ્માન ખાનના ૩૫ રનના યોગદાનથી પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૩૪૭ રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો.
ભારતીય બેટિંગનો ધબડકો
૩૪૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રે માત્ર ૨ રન બનાવી આઉટ થયો હતો. આખા ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભાથી ચર્ચામાં રહેલો ૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ ૧૦ બોલમાં ૨૬ રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. મિડલ ઓર્ડરમાં આરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુ જેવા બેટ્સમેનો સસ્તામાં આઉટ થતા ભારતની આખી ટીમ ૨૪ ઓવરમાં માત્ર ૧૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો એક પણ બેટ્સમેન ૩૦ રનનો આંકડો સ્પર્શી શક્યો નહોતો.
હારનો વિલન: કેપ્ટન આયુષ મ્હાત્રે
ભારતીય ટીમની હારમાં સૌથી મોટો વિલન કેપ્ટન આયુષ મ્હાત્રે સાબિત થયો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આયુષ આ આખા ટુર્નામેન્ટમાં ફ્લોપ રહ્યો હતો અને કુલ ૧૦૦ રન પણ બનાવી શક્યો નહોતો. ભારત તરફથી ટુર્નામેન્ટમાં અભિજ્ઞાન કુંડુએ સૌથી વધુ ૨૬૩ રન બનાવ્યા હતા, પરંતુ ફાઈનલમાં ટીમની નિષ્ફળતાએ ફેન્સને નિરાશ કર્યા છે. બીજી તરફ, પાકિસ્તાનનો સમીર મિન્હાસ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, જેણે ૪ ઈનિંગ્સમાં ૧૪૯ની એવરેજથી ૨૯૯ રન બનાવી પોતાની ટીમને વિજેતા બનાવી હતી.

(5:01 PM IST)