<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ઈશાન કિશનનો વનવાસ પૂરો: 2 વર્ષથી ટીમની બહાર રહેલા ખેલાડીની સીધી વર્લ્ડ કપમાં એન્ટ્રી, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ નથી છતાં બીસીસીઆઈએ આપ્યું ઈનામ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 197ના સ્ટ્રાઈક રેટથી રન ફટકારીને ઈશાને સિલેક્ટર્સને ઝુકાવ્યા; અશિસ્તના આરોપ બાદ કોન્ટ્રાક્ટ ગુમાવનાર ઝારખંડના કેપ્ટને બેટથી આપ્યો જડબાતોડ જવાબ, વર્લ્ડ કપ 2026 માટે બની ગયો 'એક્સ-ફેક્ટર'

મુંબઈ: ભારતીય ક્રિકેટમાં 'કમબેક' કોને કહેવાય તે ઈશાન કિશને સાબિત કરી બતાવ્યું છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 માટે જાહેર થયેલી ૧૫ સભ્યોની ટીમમાં સૌથી આશ્ચર્યજનક નામ ઈશાન કિશનનું છે. આ એ જ ખેલાડી છે જે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર હતો અને જેની પાસે બીસીસીઆઈનો વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ નથી. તેમ છતાં, તેની વિસ્ફોટક બેટિંગ અને જીદ સામે પસંદગીકારોએ નમવું પડ્યું છે. નવેમ્બર ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ રમનાર ઈશાન હવે સીધો વિશ્વના સૌથી મોટા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.
ઈશાન કિશનની આ વાપસી પાછળનું મુખ્ય કારણ 'સૈયદ મુશ્તાક અલી ટ્રોફી'માં તેનું પ્રચંડ પ્રદર્શન છે. ઝારખંડના કેપ્ટન તરીકે તેણે માત્ર ટીમને પહેલીવાર ચેમ્પિયન જ નથી બનાવી, પરંતુ ૧૦ મેચમાં ૫૧૭ રન ફટકારીને રનનો પહાડ ખડકી દીધો હતો. ૧૯૭.૩૨ ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે ટૂર્નામેન્ટમાં ૩૩ છગ્ગા અને ૫૧ ચોગ્ગા ફટકાર્યા હતા. ખાસ કરીને ફાઈનલ મેચમાં જ્યારે દબાણ સૌથી વધુ હતું, ત્યારે સદી ફટકારીને તેણે સાબિત કરી દીધું કે તે 'મોટી મેચનો પ્લેયર' છે. આ ઈનિંગે જ તેના માટે વર્લ્ડ કપના બંધ દરવાજા ખોલી નાખ્યા.
આ સફળતા પાછળ ઈશાનનો સંઘર્ષ પણ ઘણો રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન માનસિક થાકનું કારણ આપીને તેણે બ્રેક લીધો હતો, પરંતુ ત્યારબાદ ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે બીસીસીઆઈ તેની સામે લાલ આંખ કરી હતી. અશિસ્તના નામે તેને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવાતા એવું લાગતું હતું કે તેની કારકિર્દીનો અંત આવી ગયો છે. જોકે, હાર માન્યા વગર તેણે ફરીથી મેદાનમાં પરસેવો પાડ્યો અને રણજી ટ્રોફી તેમજ ટી20 ટૂર્નામેન્ટમાં દમદાર વાપસી કરીને બતાવ્યું કે તે ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન બનવા માટે સક્ષમ છે.
હવે જ્યારે ભારત અને શ્રીલંકામાં વર્લ્ડ કપ રમાવાનો છે, ત્યારે ઈશાન કિશનની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયાની ઓપનિંગ અને મધ્યમ ક્રમની ચિંતા હળવી થઈ છે. ડાબોડી બેટ્સમેન હોવાના કારણે તે કોઈપણ સ્પિનર માટે કાળ સાબિત થઈ શકે છે. પસંદગીકારોએ રિષભ પંત જેવા મોટા નામની જગ્યાએ ઈશાન પર જે વિશ્વાસ મૂક્યો છે, તે દર્શાવે છે કે હવે ટીમમાં સ્થાન મેળવવા માટે 'નામ' નહીં પણ 'કામ' (ફોર્મ) બોલશે. ઈશાનની આ 'ડાયરેક્ટ એન્ટ્રી'એ ક્રિકેટ જગતમાં નવા વિવાદ અને ચર્ચા બંનેને જન્મ આપ્યો છે.

(2:41 PM IST)