<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ટીમ ઈન્ડિયામાં 'ગંભીર' ડ્રામા: વર્લ્ડ કપ ટીમમાંથી ગિલની બાદબાકી, અગરકર અને હેડ કોચ પર લાગ્યા સનસનીખેજ આરોપ

શુભમન ગિલને જાણ કર્યા વગર જ ટી20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દેવાતા વિવાદ વકર્યો; ગૌતમ ગંભીર અને અજિત અગરકરની જોડીએ 'પ્રિન્સ' સાથે દગો કર્યો હોવાની ચર્ચા, ઈજાનું બહાનું કે આયોજનબદ્ધ ષડયંત્ર?

 મુંબઈ: ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. બીસીસીઆઈ (BCCI) સેક્રેટરી દેવજીત સૈકિયાએ ૨૦૨૬ના ટી20 વર્લ્ડ કપ માટે જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરી, ત્યારે સૌથી મોટો ફટકો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને પડ્યો છે. ટેસ્ટ અને વનડેમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા ગિલને ટી20 ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ગિલને આટલા મોટા નિર્ણય વિશે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરે ગિલ સાથે સીધી વાત કરવાનું ટાળ્યું હતું, જે હવે ગંભીર આરોપમાં ફેરવાઈ ગયું છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ખાઈ વધી રહી છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ દરમિયાન ગિલને પગમાં ઈજા થઈ હતી, જેને મેનેજમેન્ટે ગંભીર ગણાવીને તેને ટીમની બહાર રાખવાની યોજના બનાવી લીધી હતી. જોકે, મેડિકલ રિપોર્ટ્સ મુજબ તેની ઈજા એટલી ગંભીર નહોતી અને તે પાંચમી ટી20 રમવા માટે તૈયાર હતો. તેમ છતાં, ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે ગિલના સ્થાને અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કરી દીધું હતું. ગિલને અંધારામાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી ડ્રેસિંગ રૂમમાં પણ અસંતોષ હોવાનું મનાય છે.
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અગરકરને ગિલની બાદબાકી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. બીજી તરફ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે ખરાબ ફોર્મમાં હોવા છતાં તેની કેપ્ટનશીપ વર્લ્ડ કપ સુધી અકબંધ રાખવામાં આવી છે. આ 'ડબલ સ્ટાન્ડર્ડ' નીતિને કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગિલ જેવા પ્રતિભાશાળી ખેલાડીને કમ્યુનિકેશનના અભાવે ટીમમાંથી કાઢી મૂકવો એ ભારતીય ક્રિકેટના ભાવિ માટે ચિંતાજનક સંકેત છે.
આ સમગ્ર વિવાદે ૨૦૨૬ના વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની એકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. શું ગૌતમ ગંભીર પોતાની રણનીતિ મુજબ 'નવા લોહી' ને તક આપવા માંગે છે કે પછી ગિલ સામે કોઈ અંગત નારાજગી છે, તે અંગે અટકળો તેજ બની છે. અમદાવાદમાં રમાનારી મેચમાં ગિલ રમવા માંગતો હતો પરંતુ મેનેજમેન્ટની 'સૂચના વિનાની છટણી' એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ટીમમાં બધું બરાબર નથી. આ મામલો હવે બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે, જેનાથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

 

(2:29 PM IST)